નવસારી વિજલપોર નગરપાલિકા એક નવતર પ્રયોગ કરીને વીજ ઉત્પાદનમાં આત્મનિર્ભર બની છે. માહિતી મુજબ, નગરપાલિકા દ્વારા વિવિધ વોટર પ્લાન્ટ પર સોલાર પેનલ નાખવામાં આવી છે, જેથી વીજ ઉત્પાદન કરી રૂ. 40 લાખની આવક ઊભી કરી છે. નગરપાલિકા દ્વારા સોલાર પેનલ લગાવવા પાછળ રૂ.75 લાખનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. જો કે, પાલિકાના વીજબીલમાં પણ ઘટાડો થયો છે.
મીડિયા અહેવાલ મુજબ, પાણીના પ્લાન્ટનું વીજ બિલ મોટા પ્રમાણમાં આવતું હોવાથી ખર્ચ ઘટાડવા માટે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હેઠળ રૂ.75 લાખના ખર્ચે દુધિયા તળાવ નજીક વોટર વર્ક્સ પાસે સોલાર પેનલ નાખવામાં આવી છે. આ પેનલ થકી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. હાલ બે પ્લાન્ટ શરૂ કરી યુનિટ વનમાંથી અંદાજે 17 લાખ અને યુનિટ ટૂમાંથી 21 લાખ 14 હજાર રૂપિયાની આવક ઊભી કરાઈ છે.
નગરપાલિકા હસ્તકની 16 જેટલી શાળાઓમાં સોલાર સિસ્ટમ મૂકાશે
મીડિયા રિપોર્ટ અનુસાર, આ મામલે પાલિકા પ્રમુખ જીગીશાએ જણાવ્યું કે, નવસારી વિજલપોર નગરપાલિકા હસ્તકની 16 જેટલી શાળાઓમાં પણ આગામી સમયમાં આ સોલાર સિસ્ટમ મૂકાશે, જેથી વીજળી ઉત્પન્ન કરીને તેમાંથી ખર્ચ ઘટાડી સારો લાભ મેળવી શકાશે. સાથે જ શહેરમાં આવેલા ચંદન તળાવ અને જલાલપોર નજીકના તળાવમાં પણ સોલાર પ્લાન્ટ નાખી વીજળી ઉત્પન્ન કરી સારી એવી બચત વિજલપોર નગરપાલિકાને થશે.