ત્યારે હવે આગામી ચૂંટણીમાં આ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે અહીં સમીકરણો બદલીને નવી વ્યૂહરચના અપનાવી છે. ભાજપે બે ધારાસભ્યોને તોડ્યા, 3 પૂર્વ ઉમેદવારોને રિપીટ કર્યા અને 4 નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય, આ બેઠકો પર વડાપ્રધાન જાતે પ્રચાર કરી રહ્યા છે.
ભલે ગુજરાતમાં ભાજપનું હિન્દુત્વનું કાર્ડ ચાલે છે, પણ ગુજરાતમાં જ્યાં તીર્થધામો આવેલા છે ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળે છે. જણાવી દઈએ કે ગુજરાતમાં 10 બેઠકો એવી છે કે જેના માટે વિસ્તારમાં તીર્થધામો આવેલા છે, ત્યારે એવું હોવું જોઈએ કે ત્યાંની બેઠક ભાજપના હાથમાં હોવી જોઈએ, પણ ભાજપના કમનસીબે આ બેઠકો કોંગ્રેસ જીતે છે.
ત્યારે હવે આગામી ચૂંટણીમાં આ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે અહીં સમીકરણો બદલીને નવી વ્યૂહરચના અપનાવી છે. ભાજપે બે ધારાસભ્યોને તોડ્યા, 3 પૂર્વ ઉમેદવારોને રિપીટ કર્યા અને 4 નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય, આ બેઠકો પર વડાપ્રધાન જાતે પ્રચાર કરી રહ્યા છે. અંબાજીમાં રેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, બહુચરાજીમાં મોઢેરા સોલર વિલેજનું લોકાર્પણ જેવા કાર્યક્રમ પણ વડાપ્રધાન મોદીએ કર્યા. વડાપ્રધાને ચૂંટણી પ્રચારની શરૂઆત સોમનાથથી કરી અને વેરાવળમાં સભામાં ગર્જના કરી, જયારે એ પછી તેમને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સભા કરી હતી. ભાજપે આ વખતે કેન્દ્રીયો મંત્રીઓ, સાંસદો સહિતના સ્ટાર પ્રચારકોને આ તમામ બેઠકો પર પ્રચાર માટે ઉતાર્યા છે.
સોમનાથ – દેશના 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ ગણાય છે. અહીં 1998 અને 2007માં ભાજપને જીત મળી હતી, જયારે 2002, 2012 અને 2017માં આ બેઠક પર કોંગ્રેસ જીતી હતી. ભાજપે 2017માં જશા બારડને ટિકિટ આપી હતી, જેઓ 2012માં અહીંથી જીત્યા હતા, પરંતુ કોંગ્રેસે તેમની સામે ઉભા રાખેલા ઉમેદવાર વિમલ ચુડાસમાને અહીંથી જીત મળી હતી. આ વખતે કોંગ્રેસે વિમલ ચુડાસમાને ટિકિટ આપી છે તો ભાજપે અહીં નવા ચહેરાને તક આપતા માનસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠક કોંગ્રેસ પાસે છે, ત્યારે ભાજપ અહીં જીતવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યું છે.
ચોટીલા – ભાજપને ચોટીલા બેઠક પરથી માત્ર એક જ વાત જીત મળી છે, 2012માં. આ સિવાય ભલે રાજ્યમાં ભાજપ આવે પણ આ સીટ પર કોંગ્રેસનું જ વર્ચસ્વ રહ્યું છે. આ વખતે ભાજપે આ સીટ પર શામજી ચૌહાણને તક આપી છે, જયારે કોંગ્રેસને ધારાસભ્ય ઋત્વિક મકવાણા પર વિશ્વાસ છે. ભાજપે 2012માં ધારાસભ્ય રહેલા શામજી ચૌહાણને 2017માં પણ તક આપી હતી, પણ તેઓ જીતી શક્યા ન હતા. ત્યારે આ વખતે ફરી એકવાર ભાજપે ચોટીલા બેઠક પરથી શામજી ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે.
અંબાજી, દાંતા – માતાજીના 51 શક્તિપીઠોમાંથી એક છે અંબાજી, અંબાજી દાંતા બેઠકમાં આવે છે, અહીં અત્યાર સુધીમાં એકપણ વાર ભાજપને જીત મળી નથી. 1998થી 2017 સુધીમાં થયેલી તમામ ચૂંટણીમાં અહીં કોંગ્રેસે જીત મેળવી છે. આ વખતે કોંગ્રેસે ધારાસભ્ય કાંતિ ખરાડીને ટિકિટ આપી છે, જેમને આગળ પણ બે વાર કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે, જયારે ભાજપે અહીં નવા ચહેરા લધુભાઇ પારગીને ટિકિટ આપી છે.
ખેડબ્રહ્મા – ખેડબ્રહ્મા નાના અંબાજી તરીકે જાણીતું તીર્થધામ છે, જ્યાં પણ 24 વર્ષથી કોંગ્રેસનું વર્ચસ્વ છે. અહીં આ વખતે ભાજપે અશ્વિન કોટવાલને ટિકિટ આપી છે, જેઓ સતત ત્રણ વાર જીત્યા છે, જયારે એમની સામે કોંગ્રેસે તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, જે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે.
માતાનો મઢ, અબડાસા – આશાપુરા ધામ, માતાનો મઢ કચ્છમાં અબડાસા બેઠકમાં આવે છે. અહીં 2022 અને 2007માં ભાજપને જીત મળી હતી, ત્યાર પછી અહીં કોંગ્રેસ સતત ત્રણ વાર જીતી છે. કોંગ્રેસમાંથી 2012માં છબીલ પટેલ જીત્યા હતા, જેમને ભાજપે 2017માં ટિકિટ આપી, પણ ફરીવાર આ સીટ કોંગ્રેસને મળી અને કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા જીતી ગયા. આ પછી હવે આ વખતે ભાજપે પ્રદ્યુમનસિંહ જાડેજાને પોતાના પક્ષ તરફથી ટિકિટ આપી છે. જયારે કોંગ્રેસે મામદ જતને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ સીટ કોને મળે છે.
બહુચરાજી બેઠક – બહુચર માતાનું સૌથી પ્રસિદ્ધ ધામ બહુચરાજીમાં પણ 2017માં કોંગ્રેસને જીત મળી હતી. આ બેઠક નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે, જેના પર 2012માં ભાજપે રજની પટેલને ટિકિટ આપી હતી અને જીત મેળવી હતી. ત્યારે આ વખતે ભાજપે સુખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ભોપાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.
ઉમિયા ધામ, ઊંઝા – ઊંઝામાં કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીનું ધામ છે, જે ભાજપનો ગઢ ગણાય છે. અહીં 2002થી 2012 સુધી ભાજપને જીત મળી છે, પણ પાટીદાર આંદોલનને કારણે 2017માં ભાજપે આ સીટ ગુમાવી હતી. 2017માં અહીંથી કોંગ્રેસના ઉમેદવાર આશાબેન પટેલ જીત્યા હતા. જો કે પછીથી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ વખતે ભાજપે કિરીટ પટેલને તક આપી છે, જયારે કોંગ્રેસે નવા ચહેરાને તક આપતા અરવિંદ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
ડાકોર, ઠાસરા બેઠક – પ્રસિદ્ધ ધામ ડાકોર ઠાસરા બેઠકમાં આવે છે, અહીં ત્રણ ટર્મથી કોંગ્રેસનું વર્ચસ્વ છે. 2007 અને 2012માં રામસિંહ પરમાર જીત્યા હતા, તો 2017માં ભાજપે તેમને મેદાનમાં ઉતાર્યા, પણ કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમાર સામે હારી ગયા હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપે નવા ચહેરા તક આપતા કાંતિભાઈ પરમારના દીકરા યોગેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે અને કોંગ્રેસે કાંતિભાઈ પરમારને રિપીટ કર્યા છે.
માતૃગયા તીર્થ, સિદ્ધપુર – સિદ્ધપુરમાં માતૃગયા તીર્થ આવેલું છે. અહીં પણ 1998 અને 2007ની ચૂંટણીમાં ભાજપ જીત્યું હતું પણ 2002 અને 2012માં અહીં કોંગ્રેસ જીતી હતી. આ વખતે ભાજપે કોંગ્રેસમાંથી જીતેલા બળવંતસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જયારે કોંગ્રેસે ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.
જગન્નાથ મંદિર, જમાલપુર – અમદાવાદ શહેરની જમાલપુર બેઠક એકમાત્ર એવી બેઠક છે કે જ્યાં ભાજપ માત્ર 2012માં જ જીતી હતી. બાકીની ચારેય ટર્મમાં કોંગ્રેસ જીત્યું હતું. ભગવાન જગન્નાથજીનું મંદિર આ બેઠકના મત વિસ્તારમાં આવેલું છે. અહીં લઘુમતીનું વર્ચસ્વ હોવાને કારણે ભાજપ જીતી શકતી નથી. 2017માં આ બેઠક પરથી કોંગ્રેસ જીતી હતી. ત્યારે આ વખતે ભાજપે ભૂષણ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે જયારે કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પરથી આ બંને ત્રીજી વાર એકબીજાની આમનેસામને છે.