વર્જીનિયા યુનિવર્સિટી પોલીસે આ માહિતી આપી છે. ફૂટબોલ ખેલાડીઓ લેવેલ ડેવિડ અને ડીસીન પેરી વર્જિનિયા યુનિવર્સિટીમાં ગોળીબારમાં મૃત્યુ પામનારાઓમાં સામેલ હતા.
અહેવાલ અનુસાર, આ કેસમાં શંકાસ્પદ વ્યક્તિને પોલીસે અટકાયત કરી છે. યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબારના કલાકો બાદ ફિલ્ડ ટ્રીપ પરથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓથી ભરેલી બસ પર તેણે કથિત રીતે ગોળીબાર કર્યો ત્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. યુનિવર્સિટી પોલીસે એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 22 વર્ષીય શંકાસ્પદ વિદ્યાર્થી ક્રિસ્ટોફર ડાર્નેલ જોન્સની રવિવારે રાત્રે 10:30 કલાકે ગોળીબારના થોડા કલાકો બાદ ધરપકડ કરવામાં આવી હતી.
યુવીએ ઇમરજન્સી મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, વર્જિનિયા યુનિવર્સિટીનું મુખ્ય કેમ્પસ ચાર્લોટ્સવિલે બંધ કરી દેવામાં આવ્યું છે. યુવીએના પ્રમુખ જિમ રેયાને જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો. તેની ઓળખ ક્રિસ્ટોફર ડાર્નેલ જોન્સ (22) તરીકે થઈ છે. તે યુવીએ ફૂટબોલ ટીમનો ભૂતપૂર્વ ખેલાડી પણ છે. યુવીએ પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, તમામ યુનિવર્સિટીના વર્ગો હાલ પૂરતું સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ક્રિસ્ટોફર ડાર્નેલ જોન્સની શોધમાં પોલીસે તેનો ફોટો જાહેર કર્યો હતો.
વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતિતઃ એન્થોની મિરાન્ડા
નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક બાબતોના પબ્લિક ડિપ્લોમસી કાઉન્સેલર એન્થોની મિરાન્ડાએ તેમના દેશમાં ગોળીબારની ઘટનાઓમાં વધારો થવા અંગે ગંભીર હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે અમારા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતિત છીએ, પછી ભલે તે અમેરિકન હોય કે વિદેશી વિદ્યાર્થીઓ. યુનિવર્સિટીઓ સુરક્ષાને ગંભીરતાથી લે છે.
જો કંઈપણ ખોટું અથવા શંકાસ્પદ હોય તો વિદ્યાર્થીઓ હંમેશા અધિકારીઓને ચેતવણી આપી શકે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ગત વર્ષની સરખામણીમાં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકાને પસંદ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 19 %નો વધારો જોઈને અમને આનંદ થયો છે. ભારતીય વિદ્યાર્થીઓના પરિપ્રેક્ષ્યમાં અમેરિકન શિક્ષણના મહત્વનો આ જીવંત સાક્ષી છે.