PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત: અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: 28 ડિસેમ્બર 2022, બુધવાર, સૂત્રો દ્વારા PM મોદીના માતા હીરાબાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PM મોદીના માતા હીરાબાને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેઓની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. મળતી માહિતી મુજબ હીરાબાની તબિયત લથડતા કદાચ PM મોદી અમદાવાદ આવે તો નવાઇ નહીં. ઉલ્લેખનિય છે કે પરિવારે 18મી જૂન 2022ના રોજ હીરાબાનો 100મો જન્મ દિવસ મનાવ્યો હતો અને 1923માં જન્મેલા હીરાબાએ શતાયુમાં પ્રવેશ કર્યો છે.
ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે તેમના પરિવાર સાથે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટના કર્ણાટકના મૈસૂરમાં બની હતી. અકસ્માત સમયે તેમની સાથે કારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સહિત કુલ 5 વ્યક્તિ કારમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ પહોંચી હોઇ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તાજા સમાચાર મુજબ અમદાવાદના અસારવા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા યુ એન મહેતા હોસ્પિટલ આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિનિયર મંત્રીઓ સાથે બેઠકમાં છે. સૂત્રો અનસાર વડાપ્રધાનની મુલાકાત અને તેમની માતાની તબિયત અંગે ચર્ચા થઈ રહી છે તેવી માહિતી મળી છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર