પાટણમાં આજકાલ કોઇને પુછીએ કે રજાના દિવસે ક્યાં જવું છે તો સૌ પ્રથમ એક જ જવાબ મળે કે, રિજીયોનલ સાયન્સ સેન્ટર જવું છે. પાટણનું આ રિજીયોનલ સાયન્સ સેન્ટર આજકાલ માત્ર પાટણના લોકો માટે જ નહીં પરંતુ પાટણની મુલાકાતે આવતા બહારના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર ડૉ.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે સાયન્સ સેન્ટર-પાટણ આ એક વર્ષમાં મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં સ્થાપનાના પ્રથમ વર્ષમાં છ લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ સાયન્સ સેન્ટરની મુલાકાત કરી છે.
ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયા બાદ 1 મે 2022 થી 31 મી 30 એપ્રિલ 2023 સુધીના એક વર્ષમાં સાયન્સ સેન્ટર 1200 થી વધુ વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના લાભાર્થીઓની સંખ્યા લગભગ 2.9 લાખ છે. આ એક વર્ષમાં ગુજરાતના 27 જિલ્લાઓ, દેશના 25 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો અને 5 વિદેશી દેશોના મુલાકાતીઓ આ સાયન્સ સેન્ટર ની મુલાકાત લઇ ચૂક્યા છે. આ એક વર્ષ દરમિયાન, 1.83 લાખથી વધુ મુલાકાતીઓએ 5-ડી થિયેટરની મજા માણી છે, લગભગ 40 હજાર મુલાકાતીઓએ વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીનો આનંદ માણ્યો છે અને લગભગ 30 હજાર બાળકોએ ડાઇનો-રાઈડનો આનંદ માણ્યો હતો. જે ખરેખર આ સેન્ટરની લોકપ્રિયતા બતાવી રહ્યુ છે.
1 મે 2022 ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન બાદ રિજીયોનલ સાયન્સ સેન્ટરને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. અમદાવાદ બાદ ઉત્તર ગુજરાતમાં આ એક માત્ર સાયન્સ સેન્ટર હોવાથી શાળાના બાળકો, વડીલો, નાના-મોટા તમામ લોકોને સાયન્સ સેન્ટર આકર્ષે છે. ખાસ કરીને બાળકો માટે આ સાયન્સ સેન્ટર ખુબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે કારણ કે મુલાકાતીઓમાં 50 ટકા જેટલા બાળકો જ હોય છે.
છેલ્લા એક વર્ષ આંકડા પરથી સાબિત થાય છે કે સાયન્સ સેન્ટરની મુલાકાત બાળકો ખુબ લઇ રહ્યા છે. દરરોજના મુલાકાતીઓની સંખ્યા પર નજર કરીએ તો રોજના સરેરાશ 1500 થી 2000 પ્રવાસીઓ મુલાકાતે આવે છે. રવિવારની રજાના દિવસે આ આંકડો વધીને 5000ને પાર પહોંચી જાય છે.
રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર 10 એકરમાં ફેલાયેલું છે, જેની પાછળ અંદાજે કુલ 100 કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
આ સાયન્સ સેન્ટરમાં ડાયનાસોર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શનોની સાથે પાંચ વિવિધ ગેલેરી જેમ કે ડાયનાસોર ગેલેરી, હ્યૂમનસાયન્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ (કેમેસ્ટ્રી) ગેલેરી, હાયડ્રોપોનિક ગેલેરી અને ઓપટીક્સ ગેલેરી છે. એના પછી 5-ડી થિયેટર અને સન ડાયલ જેમાં સૂર્યના પ્રકાશથી આપણે પાટણના લોકલ ટાઇમની માહિતી જાણી શકીએ તેવી વ્યવસ્થા પણ છે તદઉપરાંત 216 બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ અને કાફેટેરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બાળકોમાં ટેક્નોલોજીના જ્ઞાનમાં વધારો કરવાના ઉદેશ્ય સાથે સાયન્સ સેન્ટરમાં વિવિધ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. રિજીયોનલ સાયન્સ સેન્ટરનાં મુખ્ય આકર્ષણની વાત કરીએ તો 5D થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી, ડાયનાસોર પાર્ક, ઇલ્યુઝન ટનલ વગેરે છે. દર અઠવાડિયે, આ સાયન્સ સેન્ટર તેના ઓડિટોરિયમમાં 3 થી 4 પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને તેના સાયન્સ એક્ઝિબિશન હોલમાં વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે.
પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરના મુલાકાતીઓમાં મુખ્યત્વે પાટણ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર, સુરત, અમદાવાદ, ગાંધીનગરના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. સાયન્સ સેન્ટરના પ્રવાસીઓ જ્યારે મુલાકાત લેવા આવે છે ત્યારે ત્યાં પ્રવેશદ્વારમાં જ મસમોટા ડાયનાસોર્સ પ્રવાસીઓના આશ્ચર્યનું કારણ બને છે. બાળકો તો આ ડાયનાસોર્સ જોઈને અત્યંત આનંદમાં આવી જાય છે. એક વર્ષ માં મુલાકાતીઓની સંખ્યા આટલી વધી ગઇ છે તો આવનારા સમયમાં પ્રવાસીઓનો ધસારો વધું રહશે તેવી શક્યતાઓ લાગી રહી છે..