વંથલીના થાણા પીપળી ગામના વતની એવા ધરતીબેન મગનભાઈ પટેલે જણાવ્યું કે તેમને સંતાનમાં એક મોટી દીકરી અને તેના પછી ટ્વિન્સ બાળકો લવ અને કુશ જન્મ્યા હતા. માતા-પિતા અને પરિવારની એક જ ઈચ્છા હતી કે તેમના સંતાન દેશની રક્ષા માટે આર્મીમાં જોડાઈ જેથી બંને દીકરાને નાનપણથી જ સૈનિક સ્કૂલમાં બેસાડ્યા હતા. જેમાં સૌથી નાની વયના લવ એ 21 વર્ષની ઉંમરે આર્મીમાં લેફ્ટનન્ટની પોસ્ટ મેળવીને દેહરાદુન ખાતે પોસ્ટિંગ મળતા આજે તેઓ પોતાના વતન થાણા પીપળી આવતા સમસ્ત ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને લેફ્ટનન્ટ લવ પટેલે પોતાની કેપ ઉતારીને દાદીને પહેરાવતા પરિવારના હર્ષના આંસુ ફરી પડ્યા હતા. લેફ્ટનન્ટ લવે જણાવ્યું કે તેઓ જ્યારે નેશનલ ડિફેન્સ એકેડમીમાં તાલીમ લઈ રહ્યા હતા ત્યારે તેની સાથેના સહાધ્યાયીઓ તેમને ચીડવતા હતા કે ગુજરાતીઓ માત્ર બિઝનેસ કરી શકે આર્મીમાં ન ચાલે પરંતુ લવે હિંમત હાર્યા વગર આર્મીમાં જોડાવાના તમામ શિખરો સર કરીને આજે માતા-પિતાનું સપનું પૂરું કરી બતાવ્યું હતું અને આગામી સમયમાં આર્મીમાં રહીને દેશની રક્ષા કરવા અને કોઈપણ ઓપરેશન પૂરું કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી