અમદાવાદના અસારવા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા “ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ 2005” અન્વયે મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં હાજર ગૃહિણીઓને ઉલ્લેખતા ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલાએ કહ્યું કે, ઘરેલુ હિંસા ના મોટાભાગના કેસોમાં દહેજની આપ-લે ની પ્રક્રિયા એક સીધું કારણ હોય છે. આપણા સમાજમાં દહેજપ્રથાની અસર બંધ કરવા માટે દહેજ પ્રથાને જડમુળથી જ દૂર કરવી પડશે. સૌ કોઈએ દહેજ લેવું નહીં અને દહેજ આપવું નહીં તેવી પ્રતિજ્ઞા લેવી જોઈએ, જેથી સમાજમાં હકારાત્મક બદલાવ આવે તથા ઘરેલુ હિંસાના બનાવો પણ ઓછા જોવા મળે. તેમને હિંસાનો ભોગ બનવાના કારણોથી પરિચિત કરાવવામાં આવ્યા હતા. પરિણીત કે ઘરેલુ સ્ત્રીઓ જ મોટેભાગે ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે.
આ મહિલાલક્ષી કાયદાકીય સેમિનારમાં હાજર મહિલાઓએ દહેજ પ્રતિબંધક અધિકારી સાથે સંવાદ કરીને તેમની પાસેથી જાણકારી લેવાના પ્રયત્નો કર્યા હતાં. ‘પારિવારિક હિંસા અધિનિયમ 2005’ અંતર્ગત નિમાયેલા રક્ષણ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સેવા આપનાર કાયદા અંતર્ગત જાહેર કરાયેલી સંસ્થા, વર્ગ-૧ મેજિસ્ટ્રેટ અથવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ મહિલાઓ સીધી ફરિયાદ કરી શકે છે અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાં જઈને સીધી ફરિયાદ નોંધાવી શકે છે, મહિલાઓ આ કાયદા અંતર્ગત કોર્ટમાં ડી.આઇ.આર. (Domestic Incident Report) કરીને ન્યાય માંગી શકે છે તેવું આ સેમિનારમાં જણાવવામાં આવ્યું હતું. આ કાયદો દરેક મહિલાને શાંતિપૂર્ણ રીતે જીવવાનો હક આપે છે અને પારિવારિક હિંસાથી રક્ષણ મેળવવાની તક આપે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી વર્ષમાં ચાર વાર આ પ્રકારના સેમિનારનું આયોજન કરે છે.
ઉપરોકત સેમિનારમાં મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન પ્રતિભાબહેન જૈન, કલાપીનગરના કાઉન્સિલર અનસુયાબહેન પટેલ અને મીનાબહેન પટની, અસારવા વિસ્તારના પ્રભારી દીપિકા બહેન ત્રિવેદી, શાહીબાગ વિસ્તારના કાઉન્સિલર જાસ્મીનબહેન ભાવસાર, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન રાજપુરોહિત મહિલા મોરચાના સભ્ય મોનિકાબહેન બારાતવાલ, ભાનુબહેન પટેલ તથા પૂર્વક કાઉન્સિલર પ્રીતિબહેન ભરવાડ, દહેજ પ્રતિબંધક અધિકારી નીતિનકુમાર ગજ્જર, જેન્ડર સ્પેશિયાલિસ્ટ જીતેશભાઈ સોલંકી તથા મોટી સંખ્યામાં ગૃહિણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.