દાહોદ: તારીખ ૭મી મે ના રોજ દાહોદ જીલ્લા પંચાયત ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા મયુર પારેખે શિક્ષક પાસે બદલીનાં ઓર્ડર અને તે અંગેના અરજી કાગળો કરવા માટે રૂપિયા ૧ લાખની લાંચની માંગણી કરી હતી તેવા સમયે એસીબીએ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડીને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર શાંતિલાલ પારેખ દ્વારા શિક્ષક પાસેથી શરૂઆતમાં રૂપિયા ૫ લાખની માંગણી કરી હતી અને રકઝક બાદ રૂપિયા ૪ લાખમાં કામ કરવા સંમત થયા હતા. લાંચની આ રકમ પૈકી રૂપિયા ૨ લાખ અગાઉ શિક્ષક પાસેથી લઇ લેવામાં આવ્યા હતા. પરંતુ શિક્ષણાધિકારી દ્વારા બાકીના લાંચના નાણાંની વારંવાર ઉઘરાણી કરતા શિક્ષકે આ બાબતે દાહોદ એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારે પૈસા આપવા માટે DPEO દ્વારા શિક્ષકને જીલ્લા પંચાયત કચેરી ખાતે શિક્ષણાધિકારીની કચેરીમાં બોલાવ્યા હતા. શિક્ષક પાસેથી લાંચની રકમ સ્વીકારતા DPEO ને દાહોદ એસીબીએ ઝડપી પાડી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે આ પોસ્ટ પહેલા કાજલ દવે છેલ્લા ચાર વર્ષથી જિલ્લા શિક્ષણાધિકારીના પદ પર કાર્યરત હતા. કાજલ દવે A.C.B. સ્કેનર હેઠળ આવતાં મયુર પારેખને માધ્યમિક શિક્ષણ અધિકારી બનાવવામાં આવ્યા હતા. જૂની ટીચિંગ ઓફિસર કાજલ દવેની ઓફિસમાં નોટ ન હોય તો કામ ન થાય તેવા નિયમ મુજબ વહીવટ ચાલતો હતો અને હવે મયુર પારેખ રૂ. ૧ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે. આ બનાવ બાદ શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે તેથી આખરે આ શું થઈ રહ્યું છે? કારણ કે શિક્ષક અધિકારીઓ જ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે ત્યારે હવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોના હાથમાં તેવો પ્રશ્ન વાલીમંડળ માં સતાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે દાહોદમાં માત્ર બે મહિનામાં આ બીજી ઘટના સામે આવી છે, જેના કારણે શિક્ષણ જગતનું નામ કલંકિત થયું છે.
રિપોર્ટર: અક્ષયકુમાર ડી પરમાર – ગુજરાત પહેરેદાર, દાહોદ