શિક્ષણ વ્યવસ્થાનું ડીકોલોનાઈઝેશન અંતર્ગત ભારતસંવાદ કાર્યક્રમ યોજાયો ભાવનગરના નાગરિકોએ સંવાદ શ્રેણી અંતર્ગત બીજો મણકો માણ્યો ભારતીય વિચાર મંચ અને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે ભારત સંવાદ શ્રેણી અંતર્ગત બીજો કાર્યક્રમ નાગરિકો અને જિજ્ઞાસુઓની હાજરી વચ્ચે સોમવારે યોજાયો હતો. મેઘાણી મીની ઓડિટોરિયમ ખાતે આયોજિત વ્યવસ્થાનું ‘ભારતીય શિક્ષણ ડીકોલોનાઈઝેશન’ વિષય પર સાંચી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજાબેન ગુપ્તાએ ભારતીય શિક્ષણ વ્યવસ્થા અને પરંપરાની મુઘલો અને અંગ્રેજો પહેલાની સ્થિતિ, ગુલામીના એ વર્ષો દરમિયાનની પરિસ્થિતિ અને આપણી શિક્ષણ વ્યવસ્થામાં કરાયેલા કુઠારાઘાત, હવે શું કરવું જરૂરી છે? કઈ રીતે થઈ શકે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું ભાગ ભજવવાની છે ? આ સહિતના મુદ્દા ઉપર આંકડાઓ, દ્રષ્ટાંત અને શાસ્ત્રોના પ્રમાણ સાથે સંવાદ યોજ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ભારતીય વિચાર મંચ-ભાવનગરના અધ્યક્ષ ડૉ. ગીરીશભાઈ વાઘાણીએ મંચ અને તેની પ્રવૃત્તિ તથા સમગ્ર ઉપક્રમની વાત કરી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ. શિશિર ત્રિવેદીએ આ સંવાદ યોગ્ય સ્થળ અને સમય સાથે પ્રસ્તુત હોવાની વાત કરી હતી. કાર્યક્રમના અંતમાં આભાર વિધિમંત્રી વિક્રાંત પંડ્યાએ અને કાર્યક્રમનું સંચાલન ડૉ. જીતલ ઉપાધ્યાયે કર્યું હતું.
