વડોદરના મહેતાપોળ વિસ્તારમાં એક શિક્ષિકા સંતાનો સાથે પોતાની માતાના ઘરે ગયા હતા. બે દિવસ બાદ પોતાના ઘરે પરત આવી તિજોરીમાં જોયું તો સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત કુલ રૂ. 1.67 લાખની મતા ચોરાઈ હતી. આ મામલે શિક્ષિકાએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શિક્ષિકા સંતાનો સાથે પોતાના માતાના ઘરે ગયા હતા
વડોદરાના મહેતાપોળ વિસ્તારમાં સેજલબેન ભટ્ટ પરિવાર સાથે રહે છે અને સયાજી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ગત 18 મેના રોજ બપોરે સેજલબેન સંતાનો સાથે તેમના માતાના ઘરે વાઘોડિયા રોડ ખાતે ગયા હતા. ત્યાં બે દિવસ રહ્યા બાદ સેજલબેન પોતાના ઘરે પરત આવ્યા હતા. દરમિયાન સેજલબેન કોઈ કામ અર્થે તિજોરી ખોલી હતી. ત્યારે જોયું તો તિજોરીમાં મુકેલો સામાન વેર વિખેર હતો અને સોના-ચાંદીના દાગીના, રૂ. 20 હજારની રોકડ મળી કુલ 1.67 લાખની મતા ચોરાઈ હોવાની જાણ થઈ હતી.
સ્લાઇડર વિંડોમાંથી ચોર આવ્યો હોવાની આશંકા
સેજલબેને ઘરમાં વધુ તપાસ કરતા ઘરની એક સ્લાઇડર વિંડો ખુલ્લી હતી. આથી સ્લાઇડર બારીમાંથી કોઈ ચોર અંદર ઘૂસીને ચોરી ગયો હોવાની આશંકા થતા સેજલબેને આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે સેજલબેનની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ચોરી સહિતનો ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.