મોરબી:GPBSની પ્રમોશન ઇવેન્ટમાં મંત્રી રૂપાલાએ કહ્યું: આગામી સમયમાં દેશનું અર્થતંત્ર ગોબર-ગૌમૂત્ર આધારિત ઉદ્યોગ સાથે વેગ પકડશે.’
સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત રાજ્ય સરકારના વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવે છે. જેને GPBS તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આગામી 7થી 10 જાન્યુઆરી,2024ના રોજ રાજકોટ ખાતે ગ્લોબલ પાટીદાર સમિટ યોજાનાર છે.તેની પ્રમોશનલ ઇવેન્ટનું ચતુર્થ ચરણ મોરબી જિલ્લામાં યોજાયું હતું.
મોરબીના સ્કાય મોલ ખાતે ગ્લોબલ પાટીદાર સમિટની પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદ સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક ફૂડની માંગ વઘી છે. લોકોમાં એ પ્રકારની સમજ પણ કેળવાઈ છે કે કેવા પ્રકારના ખાનપાન કરવા જોઈએ અને કેવા નહીં. તેના અનુસંધાને તથા પીએમ મોદીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની જાહેરાતને ધ્યાને લઈને જ્યારે વિકાસની વાત કરીએ તો એ બધું ગાય માતા વિના શક્ય નથી. પરંપરાગત નિયમ પ્રમાણે ભારત ગાય આધારિત ખેતી કરનારો દેશ હતો. કાળક્રમે પરિવર્તનો આવ્યા અને ગાય આધારિત ખેતીનો ખ્યાલ ઘટતો ગયો ત્યારે હવે ફરીથી એ દિશામાં સૌ અગ્રેસર થયા છીએ. દેશી ગૌવંશને કારણે જ પરંપરાગત ખેતી થઈ શકે અને ભારતના ખેડૂતનો વિકાસ થશે ત્યારે લોકોને ખેડૂતોને ગાય આધારિત ખેતી તરફ વાળવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. હવે તો મોટાભાગના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. લોકો દેશી ગૌ વંશના વિકાસમાં અને સંવર્ધનમાં આગળ વધી રહ્યા છે. ભવિષ્યમાં ગાયના દૂધને બદલે ગૌમૂત્ર અને ગોબર આધારિત ઉદ્યોગની પણ વિશાળ તકો ઊભી થઈ રહી છે અને ભવિષ્યમાં દૂધના માર્કેટની સાથે ગોબર અને ગૌમૂત્રનું માર્કેટ ઊભું થશે ત્યારે ભારતનું અર્થતંત્ર ગોબર-ગૌમૂત્ર આધારિત પ્રોડક્ટ સાથે વેગ પકડશે. તેવું તેમણે જણાવ્યું હતું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે 2024 માં સરદાર ધામ દ્વારા જ ગ્લોબલ પાટીદાર એક્સપો થવાનો છે. તેના અનુસંધાને હાલ મોરબીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સર્વ ક્ષેત્રના લોકો ઉપસ્થિત થયા હતા. આ સરદારધામ ટ્રસ્ટીગણ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાનો ચોથો પ્રયાસ છે. ગગજીભાઈ પહેલા પણ આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કર્યું છે. પાટીદાર સમાજને માધ્યમ બનાવીને, પાટીદાર સમાજના ઉદ્યોગ રત્નોને એકત્ર કરીને એક મંચ પૂરું પાડીને માત્ર પાટીદાર જ નહીં પરંતુ તમામ સમાજનો વિકાસ કરવો એ વિચાર ઉત્તમ છે અને આ વિશાળ આયોજનને મારી શુભકામના છે તથા આ મંચ દ્વારા તમામ સમાજનો વિકાસ કઈ રીતે થઈ શકે એ વિચાર પણ બિરદાવવા લાયક છે. તેવું તેમણે જણાવ્યું હતું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજન ભવિષ્યમાં પણ થવા જોઈએ કારણ કે ઉદ્યોગકારોને માર્કેટિંગ કરવા માટે, બિઝનેસ કરવા માટે, અન્ય દેશોના ખરીદદારોને પોતાની સાથે જોડવાનું, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવસાયનો વ્યાપ વધારવાનો તથા સંપર્કો અને સંબંધો વિકસાવવાનો એક મંચ મળવો જોઈએ ત્યારે આ ઉપક્રમે હું આયોજકોને ધન્યવાદ પાઠવું છું. તેવું તેમણે જણાવ્યું હતું
આ તકે સરદારધામ ટ્રસ્ટીગણ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, રદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ 2024 માટે મોરબીમાં પ્રમોશનલ શો યોજાયો હતો. જે અંતર્ગત સરદાર ધામ દ્વારા યુવા શક્તિના વિકાસ માટે તથા યુવાનો દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી શકે, તેઓ નવી તકોને ઝડપી શકે એ માટે સમયાંતરે ગ્લોબલ પાટીદાર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર ધામનો ગ્લોબલ શબ્દ ટૂંક સમયમાં ચરિતાર્થ થશે જ્યારે અમેરિકા ખાતે આ પ્રકારની પાટીદાર સમિટનું આગામી સમયમાં આયોજન થશે તેની હાલ મોરબી ખાતે પ્રમોશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રની જોડવા માટે સરદારધામ સર્વ સમાજ માટે પણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. સ્પોન્સરથી માંડીને વિઝીટર સુધીની તમામ સવલત સરદાર ધામ પુરી પાડે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરદાર ધામ માત્ર આયોજક અને પ્રયોજક છે ત્યારે સર્વ સમાજને આ સમિટમાં જોડાવા સરદાર ધામ આમંત્રણ પૂરું પાડે છે. 2022ની સમિટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે 38% ભાગીદારી દર્શાવી હતી ત્યારે અમને ખાતરી છે કે આગામી ઇવેન્ટ માટે સરકારની 40% જેટલી ભાગીદારી રહેશે. આ ઈવેન્ટમાં સરકાર,સમાજ અને ઉદ્યોગપતિઓના એકત્રીકરણથી સમાજ નિર્માણનો ઉદ્દેશ્ય સાકાર થશે. અમે નવા ભારતનું નિર્માણ કરવા માટે તત્પર થયા છીએ.સરદાર ધામ સર્વ જગતને એ વાતની ખાતરી આપે છે કે, વિકાસ એ યુવા શક્તિનો ધ્યેય છે ત્યારે સરદાર ધામ યુવા શક્તિને એ માટેનું નવી તકો સર્જતું પ્લેટફોર્મ પૂરું પાડશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ પ્રમોશનલ શોમાં મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ થાય તે અંગે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને સરદારધામ વચ્ચે એમઓયું થયા હતા. જીપીબીએસમાં સિરામિક ઉદ્યોગ માટે બે ડોમ રાખવામાં આવશે.
નોંધનીય છે કે, ગ્લોબલ પાટીદાર સમિટના કન્વીનર નીલેશભાઈ જેતપરિયા, ગોવિંદભાઈ વરમોરા, જેરામભાઈ વાંસજાળીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, આરએસએસના પશ્ચિમ સરસંઘચાલક જયંતીભાઈ ભાડેસિયા, હંસરાજભાઈ ગજેરા, સહિતના અનેકવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.