ભારતીય વાયુસેનાનું મિગ-21 સોમવારે સવારે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં ક્રેશ થયું, સંરક્ષણ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દુર્ઘટનામાં પાઇલટ સુરક્ષિત છે અને બચાવ માટે સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે પહોંચી ગયું છે.
જાણકારી અનુસાર વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ છે. આ દુર્ઘટના હનુમાનગઢના બહલોલ નગર ગામમાં થઈ હતી. જયારે વાયુસેનાનું વિમાન ક્રેશ થઈને રહેણાંક વિસ્તારમાં જઈને પડ્યું હતું. જો કે આ ઘટનામાં પાઇલટ સુરક્ષિત હોવાની જાણકારી મળી છે.
જણાવી દઈએ કે આ પ્રકારની કોઈ પહેલી ઘટના નથી બની. આ પહેલા જાન્યુઆરીની શરૂઆતમાં, રાજસ્થાનના ભરતપુરમાં એક પ્રશિક્ષણ કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના બે ફાઇટર જેટ – સુખોઇ એસયુ -30 અને મિરાજ 2000 – ક્રેશ થતાં એક પાઇલટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક વિમાન મધ્યપ્રદેશના મુરેનામાં ક્રેશ થયું હતું, જ્યારે બીજું રાજસ્થાનના ભરતપુરમાં ક્રેશ થયું હતું અને લેન્ડ થયું હતું.
ગયા અઠવાડિયે પણ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. બીજી એક દુર્ઘટના કોચીમાં એપ્રિલમાં બની હતી જ્યારે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરે ટ્રાયલ્સ દરમિયાન ક્રેશ લેન્ડિંગ કર્યું હતું.
ગયા વર્ષે ઓક્ટોબરમાં અરુણાચલ પ્રદેશમાં સેનાના હેલિકોપ્ટર ક્રેશની બે ઘટનાઓ નોંધાઈ હતી. ઓક્ટોબર 5, 2022 માં, અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારની નજીક એક ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં ભારતીય સેનાના એક પાઇલટનું મૃત્યુ થયું. માત્ર એક પખવાડિયા પછી, 21 ઓક્ટોબરના રોજ અરુણાચલના અપર સિયાંગ જિલ્લામાં પાંચ સંરક્ષણ કર્મચારીઓ માર્યા ગયા, જેઓ ભારતીય આર્મી એવિએશન એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (વેપન સિસ્ટમ્સ ઇન્ટિગ્રેટેડ) માં સવાર હતા – લિકાબાલી (આસામ) સ્થિત ALH WSI, જે ટ્યુટિંગથી 25 કિલોમીટર દૂર સિયાંગ ગામ નજીક ક્રેશ થયું.
અગાઉ ગયા વર્ષે 28 જુલાઈના રોજ સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે રાજસ્થાનના બાડમેર જીલ્લા નજીક ક્રેશ થતા ટ્વીન સીટર મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટના બે પાઇલટ ઘાતક ઈજાઓ બાદ મૃત્યુ પામ્યા હતા.