દેશમાં વધતી મોંઘવારી-બેરોજગારી વચ્ચે ભરૂચ, અંકલેશ્વર, જંબુસર પાલિકા જનતા પર નાખતી ડબલ ટેક્ષ : મુમતાઝ પટેલ
ભરૂચમાં કોંગ્રેસની સૂચિત વેરા વધારાના વિરોધમાં સહી ઝુંબેશમાં જોડાયા મરહુમ અહેમદ પટેલના દીકરી
• જનતા ઘમંડી સરકાર સામે અવાજ ઉઠાવે તે જરૂરી
BJP સરકારમાં ખૂબ જ ઘમંડ, જનતા તેમને જ વોટ આપશે. દેશમાં એક તરફ બેરોજગારી, મોંઘવારી વધી રહી છે ત્યારે ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર ભાજપ શાસિત પાલિકા જનતા પર ડબલ ટેક્ષ નાખી રહી હોય જેનો મુમતાઝ પટેલે વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર પાલિકા દ્વારા સૂચિત વેરા વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. લાઈટ, પાણી અને સફાઈ વેરામાં વધારા સામે નગરજનોના વાંધા સૂચનો મંગવાઈ રહ્યા છે.
ભરૂચ પાલિકાના સૂચિત વેરા વધારા સામે વિપક્ષ કોંગ્રેસે આંદોલન છેડયું છે. આજે સોમવારે પાંચબત્તી ખાતે કોંગ્રેસે સૂચિત વેરો નાબૂદ કરવા સહી ઝુંબેશ હાથ ધરી હતી. સહી ઝુંબેશમાં ખાસ મરહુમ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ જોડાયા હતા.
મુમતાઝ પટેલે ભાજપ સરકારમાં ખૂબ જ ઘમંડ આવી ગયું હોવાનું કહ્યું હતું. ભાજપને એમ જ છે કે, જનતા તેમને જ મત આપશે. દેશમાં મોંઘવારી અને બેરોજગારી વધી રહી છે ત્યારે ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર પાલિકા પ્રજા પર ડબલ ટેક્ષ નાખવા જઈ રહી છે. જેનો અમે જનતા વતી વિરોધ નોંધાવ્યું છે. લોકો પણ અવાજ ઉઠાવવા આગળ આવશે. આ વેરા વધારો આપણને સૌને અસર કરે છે. ભરૂચના નગરજનોને સૂચિત વેરા વધારાનો વિરોધ કરી અવાજ ઉઠાવવા મુમતાઝ પટેલે હાંકલ કરી હતી. ભાજપ શાસકો કરોડોના દેવાનો ખાડો પુરવા પ્રજા પર વેરા રૂપી આર્થિક બોજ નાખી રહી હોય તેને નાબુદ કરાવી ને જ રહીશું તેવો હુંકાર કોંગ્રેસે કર્યો છે.