હાલ રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. જો કે, આ વર્ષે ઉનાળાની ઋતુની શરૂઆત સાથે જ અવારનવાર કમોસમી વરસાદ થતા લોકોને આગ ઝરતી ગરમીથી થોડી રાહત મળી હતી. પરંતુ, છેલ્લા અમુક દિવસથી તાપમાનમાં સતત વધારો થતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગે મહત્ત્વની માહિતી આપી છે.
મીડિયા અહેવાલ મુજબ, હવામાન વિભાગે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થઈ રહ્યું છે. આ સાથે મોચા વાવાઝોડું 5 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે અને પશ્ચિમ-દક્ષિણ અને પશ્ચિમ બ્લેર પોર્ટથી 510 કિલોમીટર જ દૂર છે. જ્યારે, દક્ષિણ-પશ્ચિમ કોક્સ બાઝા બંગલાદેશથી 1460 કિમી દૂર છે. મોચા વાવાઝોડું 11 મેના રોજ વધુ તીવ્ર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડું બાંગલાદેશ અને મ્યાનમાર તરફ આગળ વધશે.
વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિવત
આ સાથે અંદમાન નિકોબારમાં 11 અને 12 મેના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની પણ શકયતા છે. જ્યારે 13 મેના રોજ તિરુપુરા અને મિઝોરમમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની વકી છે. ભારે પવનના કારણે દરિયામાં મોજાની તીવ્રતા વધી શકે છે આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જો કે, આ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિવત રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાથે જ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવા અને કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે.