જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા દરિયામાં પણ આવા ખજાનાની શોધ કરવામાં આવી રહી છે.
મહત્ત્વપૂર્ણ ખનીજોનું મહત્ત્વ વધતા આવા વિચારે જન્મ લીધો- સીઆઈઆઈ
ઇન્ડસ્ટ્રી બોડી CIIના એક કાર્યક્રમને સંબોધતા ભારદ્વાજે જણાવ્યું હતું કે, મહત્ત્વપૂર્ણ ખનિજોનું મહત્ત્વ વધુ બનવાની સાથે, એવો વિચાર ઊભો થયો છે કે શા માટે આપણે દરિયાઈ વિસ્તારમાં તેનું ખાણકામ નથી કરી રહ્યા. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, આપણે દરિયાઈ ખનીજનું ખાણકામ નથી કરી રહ્યા. હવે અમે આ કાયદામાં સુધારો કરી રહ્યા છીએ અને તમામ હિતધારકો તેના વિશે પોતાનો અભિપ્રાય આપી શકે છે.
દરિયાઈ વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ ખનીજોને ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ
તેમણે જણાવ્યુ કે, ખાણ મંત્રાલય સમુદ્ર વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ ખનિજોની ઓળખ કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. આ પ્રક્રિયામાં કોઈ અન્ય પક્ષના હિતધારક ન હોવાના કારણે ભારત સરકાર આ ખનીજ ભંડારની હરાજી કરશે. ખાણ સચિવે તેને ઉદ્યોગ જગત માટે એક મોટી તક ગણાવતા જણાવ્યું હતું કે, તે સંપૂર્ણપણે અલગ પ્રકારનું બિઝનેસ ઓપરેશન હશે.
સ્વચ્છ ઊર્જા ટેક્નોલોજીના યુગમાં ખૂબ જ જરૂરી ઘટક
મહત્ત્વપૂર્ણ ખનિજો જેમ કે તાંબુ, લિથિયમ, નિકલ, કોબાલ્ટ અને દુર્લભ પૃથ્વી તત્વો એ સ્વચ્છ ઊર્જા ટેકનોલોજીના આજના યુગના મહત્ત્વપૂર્ણ ઘટકો છે. તેનો ઉપયોગ પવનચક્કીથી લઈને ઈલેક્ટ્રિક વાહનોમાં થાય છે. ભારદ્વાજે જણાવ્યું કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એલ્યુમિનિયમ અને અન્ય ધાતુઓનું રિસાયક્લિંગ (પુનઃઉપયોગ) કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉદ્યોગને ‘રિસાયક્લિંગ’ પ્રવૃત્તિઓમાં સામેલ થવા વિનંતી પણ કરી હતી.