કર્ણાટકની તમામ 224 વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણોમાં, કોંગ્રેસ ભાજપને હરાવીને રાજ્યમાં પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. હાર સ્વીકારતા મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ કહ્યું કે, પરિણામો પર મંથન કરવામાં આવશે. આવો જાણીએ કર્ણાટકમાં ભાજપની હારના પાંચ મુખ્ય કારણો શું છે?
1) ભ્રષ્ટાચારનો મુદ્દો
કોંગ્રેસે શરૂઆતથી જ ભાજપ સામે ’40 ટકા કમિશનની સરકાર’નો એજન્ડા નક્કી કર્યો હતો. આ મુદ્દો ધીરે-ધીરે મોટો બની ગયો. આ મુદ્દે જ એસ ઇશ્વરપ્પાએ મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. એટલું જ નહીં ભાજપના એક ધારાસભ્યને જેલમાં પણ જવું પડ્યું હતું. ભાજપ અંત સુધી તેનો ઉકેલ શોધી શકી નથી.
2 ) ‘બજરંગબલી’એ સાથ ન આપ્યો
કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. ભાજપે તેને ધાર્મિક એન્ગલ આપીને બજરંગબલી સાથે જોડી દીધું. ભાજપે કહ્યું કે, કોંગ્રેસે બજરંગબલીનું અપમાન કર્યું છે. પરંતુ, ધાર્મિક ધ્રુવીકરણની આ રણનીતિ પણ ભાજપ માટે કામ ન કરી શકી.
3) મોટા નેતાઓની અવગણના
કર્ણાટકની આ ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની અવગણના કરાઈ હતી. આ સાથે પૂર્વ સીએમ જગદીશ શેટ્ટર અને પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીની ટિકિટ પણ રદ્દ કરવામાં આવી છે. આ ત્રણેય નેતાઓને લિંગાયત સમુદાયના મોટા નેતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભાજપ માટે તેમને સાઈડલાઈન કરવું કે તેમની અવગણના કરવી મુશ્કેલ હતી.
4) આરક્ષણનો મુદ્દો
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ મુસ્લિમ અનામતનો મુદ્દો જોર પકડવા લાગ્યો હતો. ભાજપના નેતાઓ મુસ્લિમ અનામત સામે અવાજ ઉઠાવતા હતા. ગૃહમંત્રી અમિત શાહે એક રેલીમાં કહ્યું હતું કે, જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવતી અનામત ખતમ કરી દેવામાં આવશે. ભાજપના નેતાઓનું કહેવું છે કે ધર્મના આધારે અનામત આપવી એ બંધારણની વિરુદ્ધ છે. આ જ કારણ છે કે કર્ણાટકમાં તેને નાબૂદ કરવામાં આવે. કર્ણાટકમાં ભાજપની હાર પાછળ પણ આ એક મોટું કારણ માનવામાં આવે છે.
5) હિજાબ વિવાદ
ભાજપ રાજ્યમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવા માગે છે. કર્ણાટકમાં આને લઈને ઘણો વિવાદ થયો હતો. આ પણ ચૂંટણીમાં ભાજપની હારનું એક કારણ આ પણ માનવામાં આવે છે.