દિવાળીના તહેવાર પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો ગરીબોને મોટી ભેટ આપી હતી. માહિતી મુજબ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને તેમણે 5 વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી. કેન્દ્ર સરકારની આ મફત રાશન યોજના હેઠળ દેશના કરોડો ગરીબોને સરકાર દ્વારા રાશન આપવામાં આવે છે. આ યોજનાના વિસ્તરણની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે દિવાળીનો તહેવાર એક સપ્તાહ બાદ છે.
છત્તીસગઢમાં કરી જાહેરાત
હાલ છત્તીસગઢ સહિત દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે આ દરમિયાન છત્તીસગઢના દુર્ગમાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધી હતી. દરમિયાન તેમણે મફત રાશન યોજનાને પાંચ વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. 90 સીટોવાળી છત્તીસગઢ વિધાનસભા માટે 7 નવેમ્બર અને 17 નવેમ્બરે એમ બે તબક્કામાં મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની જાહેરાતને ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે, કોરોના મહામારી બાદ કેન્દ્ર સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી. કોરોના મહામારી બાદ લોકડાઉન સહિત અનેક કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેના કારણે લોકોની રોજીરોટી પર અસર પડી હતી. ખાસ કરીને ગરીબોને ખાવા-પીવાની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ગરીબ લોકોની મદદ માટે મફત રાશન યોજના શરૂ કરી હતી. કહેવાય છે કે 80 કરોડ દેશવાસીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
ડિસેમ્બરમાં પૂરો થઈ રહ્યો હતો સમય
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને પાંચ કિલો ઘઉં અથવા ચોખા મળે છે. લાભાર્થીઓને આ અનાજ મફતમાં મળે છે. કેન્દ્ર સરકારે તેની શરૂઆત 30 જૂન, 2020ના રોજ કરી હતી. તે પછી તેને અનેક પ્રસંગોએ લંબાવવામાં આવી છે. હાલમાં આ સ્કીમ ડિસેમ્બર, 2023માં એટલે કે આવતા મહિને સમાપ્ત થવા જઈ રહી હતી. હવે 5 વર્ષના વિસ્તરણ પછી, લોકોને ડિસેમ્બર, 2028 સુધી આ યોજનાનો લાભ મળતો રહેશે.