સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ વચ્ચે ઘણું લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સ માટે સતત નવા નવા ફીચર્સ પણ લાવતું હોય છે. ત્યારે હવે ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવતા લોકો માટે એક મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ એક નવું ફીચર લાવી રહ્યું છે. કંપનીના સીઈઓ એડમ મોસેરીએ પોતાની ઈન્સ્ટાગ્રામ ચેનલ દ્વારા આ માહિતી આપી છે.
ખરેખર, ઇન્સ્ટાગ્રામ પર ક્રિએટર્સ રીલ પોસ્ટ કરતી વખતે તેમાં લિરિક્સ એડ કરી શકશે. હાલમાં રીલ્સ માટે આવો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં, ઘણી વખત લોકોને કેટલાક અઘરા ગીતો યાદ નથી હોતા અને તેઓ તેના ગીતોને યોગ્ય રીતે સમજી શકતા નથી. આ સમસ્યાને દૂર કરવા માટે, કંપની ટૂંક સમયમાં રીલ્સમાં લિરિક્સ ઉમેરવાનો વિકલ્પ પ્રદાન કરવા જઈ રહી છે. ક્રિએટર્સ રીલને સંપાદિત કરતી વખતે તેમાં લિરિક્સ ઉમેરી શકશે.
એન્ડ્રોઇડ અને iOS પર યુઝર્સ માટે ઉપલબ્ધ થશે
ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ જણાવ્યું હતું કે, નવી સુવિધા ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને iOS પર યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવનારા સમયમાં કંપની ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે કેટલાક વધુ નવા ફીચર્સ અને અપડેટ્સ પણ લાવવા જઈ રહી છે. રીલમાં ગીતો ઉમેરવાનો એક ફાયદો એ થશે કે તમે રીલને મ્યૂટ કર્યા પછી પણ જોઈ શકશો. આ રીતે તમે તમારી આસપાસના લોકોને ખલેલ પહોંચાડ્યા વિના રીલની કંટેંટને સમજી શકશો. તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પહેલાથી જ યુઝર્સને સ્ટોરીઝ માટે આ પ્રકારનું ફીચર આપે છે. તમે Instagram સ્ટોરિઝમાં ગીતો ઉમેરી શકો છો.