Krafton BGMI Unban: ક્રાફ્ટનની પોપ્યુલર બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) ભારતમાં કમબેક કરી રહી છે. આ ગેમ પર લગભગ 10 મહિના પહેલા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સરકારના નિર્ણય બાદ આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવી છે.
જો કે, હવે આ રમત કમબેક કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આને લગતા અહેવાલો આવી રહ્યા હતા, પરંતુ હવે ક્રાફ્ટને ઓફિશિયલ રીતે ગેમની વાપસીને કન્ફોર્મ કરી છે. અમે આપને જણાવી દઈએ કે BGMI એ બીજું કોઈ નહીં પણ PUBG મોબાઈલ ઈન્ડિયાનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને ક્રાફ્ટન દ્વારા કેટલાક ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.
કંપની શું કહે છે?
ક્રાફ્ટન ઈન્ડિયાના સીઈઓ સીન હ્યુનિલ સોહને તેના પરત ફરવાની માહિતી આપી છે. તેમણે કહ્યું, ‘અમે ભારતીય ઓફિસર્સના ખૂબ આભારી છીએ, જેમણે અમને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) ની કામગીરી ફરી શરૂ કરવા માટે મંજૂરી આપી છે. અમે ભારતીય ગેમિંગ સમુદાયનો પણ છેલ્લા મહિનાઓમાં તેમના સમર્થન અને ધીરજ માટે આભાર માનીએ છીએ.
તેમણે કહ્યું કે આ એપ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત સરકારે 300 થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં BGMI એકમાત્ર એપ છે જે કમબેક કરી રહી છે. આ પગલું દક્ષિણ કોરિયાની ગેમિંગ કંપનીને મોટી રાહત આપશે. ક્રાફ્ટને ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં $100 મિલિયનનું રોકાણ કર્યું છે.
ગયા વર્ષે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
આનાથી ભારતમાં ઝડપથી વિકસતા ઈ-સપોર્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ગયા વર્ષે સરકારે આ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. ક્રાફ્ટને અગાઉ દાવો કર્યો હતો કે જુલાઈ 2022માં, BGMIએ 100 મિલિયન નોંધાયેલા વપરાશકર્તાઓનો આંકડો પાર કર્યો છે.
પ્રતિબંધ સુધી, તે ભારતીય બજારમાં એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ સૌથી વધુ કમાણી કરતી એન્ડ્રોઇડ એપ્સમાંની એક હતી. આ ગેમ લોન્ચ થઈ ત્યારથી સતત સવાલો ઉઠી રહ્યા હતા.
કારણ કે, તે PUBG મોબાઈલનું રિબ્રાન્ડેડ વર્ઝન હતું અને તેમાં બહુ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ જ કારણ હતું કે ઘણા લોકો તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા હતા. ક્રાફ્ટન પર પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે કંપનીએ એ જ ચીની અધિકારીઓને હાયર કર્યા હતા જેઓ PUBG મોબાઈલ ઈન્ડિયા માટે કામ કરી રહ્યા હતા.