નવસારીના વાંસદા તાલુકાના હનુમાનબારી વિસ્તારમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી ઇકો કારે બાઇકસવાર ત્રણ યુવકને અડફેટે લેતા એકને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અન્ય એક યુવક હાલ સારવાર હેઠળ છે. અક્સમાત સર્જીને કારચાલક ફરાર થયો હતો. આ મામલે વાંસદા પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
18 વર્ષીય યુવકને માથામાં ઇજા થતા મોત નીપજ્યું
મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વાંસદા-ચીખલી રોડ પર પૂરઝડપે આવતી ઇકો કારના ચાલકે બાઇકસવાર ત્રણ યુવકને જોરદાર ટક્કર મારી હતી. આથી ત્રણેય યુવક હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. આથી બાઇક સવાર 18 વર્ષીય શિવમ ધીરુભાઇ પટેલને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવક અતિક વિજયભાઈ પટેલ અને નિકેત કાંતિલાલ પટેલને હાથ-પગ અને પાંસળીના ભાગે ફ્રેકચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અજાણ્યા ઇકો કારચાલક વિરુદ્ધ ગુનો
હોસ્પિટલમાં સારવાર દરમિયાન અતિક પટેલનું મોત નીપજ્યું હતું. જ્યારે નિકેત પટેલ હાલ સારવાર હેઠળ છે. અક્સમાત સર્જીને ઇકો કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મૃતક યુવકના પિતાએ ફરિયાદ નોંધાવતા વાંસદા પોલીસે અજાણ્યા ઇકો કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.