ફિજીના વડા પ્રધાન સિત્વિની રાબુકાએ સોમવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઓફ ફિજી’ એનાયત કર્યો. તેમને આ સન્માન વડાપ્રધાન મોદીના વૈશ્વિક નેતૃત્વ માટે આપવામાં આવ્યું છે. ફિજીનું સર્વોચ્ચ સન્માન ભાગ્યે જ બીજા દેશની વ્યક્તિને આપવામાં આવે છે. મોદી દ્વિપક્ષીય સંબંધો સુધારવાના ઉદ્દેશ્યથી ભારત અને 14 પેસિફિક ટાપુ દેશોની મુખ્ય સમિટની યજમાની કરવા રવિવારે પપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા.
ફિજીની બહારના બહુ ઓછા લોકોને મળ્યું છે આ સન્માન
વડા પ્રધાન મોદીના કાર્યાલયે કહ્યું, “ભારત માટે આ એક મહાન સન્માનની વાત છે. ફિજીના વડાપ્રધાન દ્વારા મોદીને ફિજીનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું. તેમના વૈશ્વિક નેતૃત્વ માટે તેમને ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી’થી નવાજવામાં આવ્યા. આજ સુધીમાં ફિજીની બહારના અમુક જ લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.”
વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે પીએમ મોદીએ આ એવોર્ડ ભારતના લોકો અને ફિજી-ભારતીય સમુદાયની પેઢીઓને સમર્પિત કર્યો, જેમણે બંને દેશો વચ્ચે વિશેષ અને સ્થિર સંબંધોના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) ફોરમ ફોરમની બાજુમાં મોદી રાબુકાને પણ મળ્યા હતા.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, “ફિજીના વડાપ્રધાન રાબુકાને મળીને આનંદ થયો. અમે વિવિધ વિષયો પર સારી વાતચીત કરી. ભારત અને ફિજી વચ્ચેના સંબંધો સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. અમે આવનારા વર્ષોમાં તેને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા આતુર છીએ.”