વર્ષ-2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની 18 મી શૃંખલા આગામી તા. 12થી 14 જૂન દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં થશે.
આ વર્ષે રાજ્યભરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ તા. 12થી 14જૂનના રોજ યોજવામાં આવશે. રાજય કક્ષાએથી મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ મંત્રીઓ, IAS, IPS, IFS કક્ષાના અધિકારીઓ, સચિવાલયના અધિકારીઓ આ પ્રવેશોત્સવ કાર્યક્ર્મમાં શાળાએ-શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપાવશે.
આ વખતે 6 વર્ષના નિયમનું થશે પાલન
શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, જૂન-૨૦૨૩ના શરૂ થતા ચાલું શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તેથી આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોનો પણ પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત દરવર્ષની જેમ આંગણવાડી અને ધોરણ-1માં પ્રવેશ પામતા બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોની ઉંમર 1લી જૂનના રોજ પાંચ વર્ષથી વધુ અને છ વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે, અને જે બાળકની ઉંમર 1 લી જૂનના રોજ છ વર્ષથી વધુ અને સાત વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવશે.
9,77,513 વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવશે
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જન્મ-મરણ નોંધણીના રજીસ્ટર પરથી મળેલા આંકડાઓ અનુસાર જૂન-2023 થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં અંદાજે 9,77,513 વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવશે, અને 2,30,019 વિદ્યાર્થીઓ ધોરણ-1માં પ્રવેશ મેળવશે. રાજય કક્ષાએથી તથા જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દિવસ દરમિયાન ત્રણ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. મહાનુભાવો દ્વારા શાળાઓની શૈક્ષણિક સિધ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અન્ય ઉપલબ્ધિઓની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેસી સમીક્ષા કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક તથા સહશૈક્ષણિક પ્રવૃતિઓમાં ઉચ્ચ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને તાજેતરમાં રાજય સરકાર દ્વારા ધોરણ-5 ના વિદ્યાર્થીઓની લેવાયેલ કોમન એન્ટરન્સ ટેસ્ટમાં કટ-ઓફ કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. કોમન એન્ટરન્સ ટેસ્ટનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.