વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનો સાથે પાર્ટી મુખ્યાલયમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીઓએ વડાપ્રધાનને રાજ્યોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને તમામ મુખ્યમંત્રીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર, આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર હતા.
આ ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી યાનથુંગે પેટન, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન
નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી વડાપ્રધાન મોદીએ પક્ષના મુખ્યાલયમાં મુખ્યપ્રધાનોની પરિષદની બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘અમૃત કાલ’ દેશને એક નવી દિશા આપશે અને નવું સંસદ ભવન દેશના વિઝન અને ન્યુ ઈન્ડિયાના સંકલ્પનું ઝળહળતું ઉદાહરણ હોવું જોઈએ. તેમણે કહ્યું કે, નવી ઇમારતના નિર્માણથી 60 હજારથી વધુ મજૂરોને રોજગારી મળી છે અને તેમની મહેનતનું સન્માન કરવા ડિજિટલ ગેલેરી બનાવવામાં આવી છે.