રાજસ્થાનના રણપ્રદેશમાંથી 160 જેટલા ઊંટને હૈદરાબાદના કતલખાને પહોંચાડી પૈસા રળી લેવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાત, મહારાષ્ટ્ર થઈ ઊંટના કાફલાને હૈદરાબાદ લઈ જવાઈ રહ્યો હતો, જો કે, આ વાત નાસિક નજીક જીવદયાપ્રેમીઓની ધ્યાને આવતા કાફલો રોક્યો હતો અને કાફલો લઈ જતા ઇસમોને પકડી ઊંટોનું રેસ્ક્યૂ કર્યું હતું. કેટલાક ઊંટોને સારવાર માટે રાજસ્થાન અને નવસારી જિલ્લાના વાંસદા લવાયા હતા.
રાજસ્થાનના રણપ્રદેશમાંથી 160 ઊંટનો કાફલો લઈ જવાતો હતો
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના રણપ્રદેશમાંથી 160 જેટલા ઊંટોનો કાફલો લઈ કેટલાક ઇસમો ગુજરાત, મહારાષ્ટ્ર થઈ હૈદરાબાદ કતલખાને લઈ જઈ રહ્યા હતા. પરંતુ, ગુજરાતની સરહદ વટાવી નાસિક પહોંચતાં એકસાથે કતારમાં આવી રહેલા 160 ઊંટને જોઈ જીવદયાપ્રેમીઓને આશ્ચર્ય થયું હતું. આથી ઊંટ લઈ જનારા ઇસમોની પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો હતો અને કેટલાક ઇસમો છટકીને ભાગી ગયા હતા. પરંતુ, ત્રણ અજાણ્યા ઇસમો જીવદયાપ્રેમીઓના હાથમાં આવી ગયા હતા.
સારવાર માટે 50 જેટલા ઊંટને વાંસદા લવાયા
160 જેટલા ઊંટોનું રેસ્ક્યૂ કર્યા બાદ જીવદયાપ્રેમીઓએ રાજસ્થાનના સિરોહીમાં મહાવીર કેમલ કેનસુરી ગૌશાળામાં સુરેન્દ્રસિંહ ભંડારીને જાણ કરી હતી. આથી તેમણે ધરમપુરમાં ચાલતા શ્રીમદ રાજચંદ્ર મિશન જીવમૈત્રી ધામનો સંપર્ક કરી સંસ્થાના સંચાલક રાકેશજીને આ ગંભીર સમસ્યા અંગે જણાવ્યું હતું. રાકેશજીએ તરત જ ઊંટોને આશરો આપવા માટે હામી ભરી હતી. જોકે, આરોગ્ય લથડતા સારવાર માટે ધરમપુરથી 50 જેટલા ઊંટને વાંસદા લવાયા હતા. હાલ વાંસદામાં બે ઊંટ સારવાર હેઠળ છે. ધરમપુર પોલીસ અને વાંસદા પોલીસે ઊંટોનો બંદોબસ્ત પૂરો પાડી આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.