વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. સાથે જ નવા સંસદ ભવનમાં લોકસભાના અધ્યક્ષની ખુરશી પાસે ઐતિહાસિક પ્રતીક સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ સૌથી પહેલા તમિલનાડુના 20 પંડિતોની પૂજા કરી અને આશીર્વાદ લીધા.
સંસદમાં સર્વધર્મ પ્રાર્થના
પીએમ મોદીએ સેંગોલ લગાવીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ ‘સર્વ ધર્મ સન્માન’ સમારોહમાં ભાગ લીધો હતો. આ સર્વધર્મ પ્રાર્થનામાં ધાર્મિક નેતાઓએ વિવિધ ભાષાઓમાં પ્રાર્થના કરી હતી. આ સમારોહમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, એસ જયશંકર અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર હતા.
‘સેંગોલ’ સમક્ષ પીએમ મોદીનું દંડવત પ્રણામ
સમારોહ દરમિયાન, પીએમ મોદીએ ‘સેંગોલ’ સમક્ષ પ્રણામ કર્યા અને દંડવત થયા. ત્યાર બાદ તમિલનાડુના વિવિધ મંદિરોના પૂજારીઓ પાસેથી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ‘સેંગોલ’ને નવા સંસદ ભવન સુધી લઈ ગયા અને સ્પીકરની ખુરશીની બાજુમાં આવેલી ચેમ્બરમાં સ્થાપિત કર્યું.
પીએમે સંસદ નિર્માણમાં ભાગીદાર કામદારોનું સન્માન કર્યું
આ પછી પીએમ મોદીએ નવા સંસદ ભવનના નિર્માણ અને વિકાસમાં મદદ કરનારા કેટલાક કામદારોનું પણ સન્માન કર્યું. નવા સંસદ ભવનમાં હવે 888 સભ્યો લોકસભામાં બેસી શકશે. સંસદની વર્તમાન ઇમારતમાં લોકસભામાં 543 અને રાજ્યસભામાં 250 સભ્યોની બેઠકની જોગવાઈ છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્યો માટે સંસદના નવનિર્મિત બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.