સરકારી યોજના હેઠળ લોન લેવા માટે ઓનલાઇન પ્રોસેસ કરતા પહેલા ચેતી જજો. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રહેતા એક યુવકે કેન્દ્ર સરકારની એક યોજના હેઠળ 50 હજારની લોન લેવા માટે ઓનલાઇન પ્રોસેસ કરતા રૂ.10 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખંભાલિયા ગામમાં રહેતા એક યુવકે ધંધા માટે પૈસાની જરૂર હોવાથી કેન્દ્ર સરકારની મુદ્રા લોન યોજના હેઠળ લોન લેવા માટે ઇન્ટરનેટ પર ‘મુદ્રા લોન એપ્લાય’ સર્ચ કર્યું હતું. આથી એક વેબસાઇટની લિંક મળતા તેના પર ક્લિક કરીને યુવકને એક ફોર્મ ભરવાનું જણાવ્યું હતું. યુવકે ફોર્મમાં પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર અને 50 હજારની લોનની જરૂરિયાત હોવા સહિતની તમામ વિગતો ભરી હતી. ત્યાર બાદ યુવકના ફોન પર એક અંગ્રેજીમાં એક લેટર આવ્યો હતો, જેમાં 50 હજારની લોન મંજૂર થઈ છે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ યુવકના ફોન પર એક શખ્સનો ફોન આવ્યો જતો, જેણે પોતાની ઓળખ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના કર્મચારી તરીકે બતાવી પોતાનું ઓળખકાર્ડ અને ઇએમઆઈની વિગતો મોકલી હતી.
પ્રોસેસિંગ ફી પેટે રૂ. 10 હજાર પડાવ્યા
ત્યાર બાદ ગઠિયાએ યુવકને પાનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક સ્ટેટમેન્ટની વિગતો મોકલવાનું કહ્યું હતું. બધા ડોક્યુમેન્ટ મોકલ્યા બાદ ગઠિયાએ યુવકને લોનની રકમ ટ્રાન્સફર કરવા માટે પહેલા પ્રોસેસિંગ ફી ભરવાનું જણાવ્યું હતું. યુવકને વિશ્વાસ આવી જતા મોકલેલ લિંક પર રૂ.10 હજાર ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ, ત્યાર બાદ લોનના રૂપિયા યુવકને નહીં મળતાં છેતરપિંડીનો ભોગ બન્યો હતો. જો કે આ મામલે યુવકે કોઈ પોલીસ ફરિયાદ કરી નથી.