ભરૂચ નગરપાલિકાના ડોર-ટુ-ડોર વાહનો પર જોખમી મુસાફરી કરતો શ્રમિક વર્ગ, નાના બાળકો સહિત મહિલાઓના દ્રશ્યો સામે આવ્યા..!
ભરૂચ જિલ્લામાં શહેરના તમામ જાહેર માર્ગો પર સેફ એન્ડ સિક્યોર માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ઈ-મેમો ચલણ વાહન ચાલકોને અપાયા છે, અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જોકે, હજુ અડધા કરોડનો દંડ વસૂલવા માટે વાહનચાલકોને ઈ-મેમો ચલણ આપી નેશનલ લોક અદાલતમાં રજૂ કરાયા હતા. સામાન્ય નાગરિકોને જોઈ મેમો ચલણ અપાતો હોય તો ભરૂચ નગરપાલિકાના સરકારી વાહનો પર જોખમી મુસાફરી કરતા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન બદલ સરકારી વાહનોને ઈ-મેમો ચલણ કેમ નથી અપાતા તે પ્રશ્ન નગરજનોમાં ચર્ચાનું સ્થાન પામ્યા છે.
ભરૂચ જિલ્લામાં શહેરના તમામ જાહેર માર્ગો પર સેફ એન્ડ સિક્યોર માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના થકી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઘરે ઈ-મેમો ફોટા સાથે પહોંચાડવામાં આવે છે. વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન એટલે કે, ટુ-વ્હીલર ઉપર ૩ સવારી, સ્પીડમાં વાહન હંકારવું, ફોરવ્હીલમાં સીટબેલ્ટ ન લગાડવો, રોંગ સાઈડ વાહન પસાર કરવું, રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવું સહિત વિવિધ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને તેઓના વાહનના ફોટા સાથે ઈ-મેમો ચલણ નંબર પ્લેટના આધારે તેમના ઘર સુધી પહોંચી રહ્યા છે, અને દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 12514 વાહન ચાલકોએ ઈ-મેમો ચલણની ભરપાઈ ન કરી હોવાના કારણે અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં નેશનલ લોક અદાલતમાં પણ હાજર થવા માટેનું ફરમાન કરાયું હતું. 12,554 વાહન ચાલકો પાસેથી 41 લાખ 29 હજાર દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે વાહન ચાલકોએ ઈ-મેમો ચલણની ભરપાઈ કરવી પડે છે. તો બીજી તરફ, ભરૂચની વિવિધ ગ્રામ પંચાયત અને ભરૂચ નગરપાલિકાના સરકારી વાહનો જેવા કે, ડોર-ટુ-ડોરના વાહનોમાં શ્રમિકોને જોખમી સવારી કરાવીને લઈ જવાય છે. પરંતુ આ વાહનોને ઈ-મેમો ચલણ કેમ નથી અપાતો તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, ગ્રામ પંચાયત અને ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પણ પોતાના વાહનો પર નગરપાલિકાનું બોર્ડ લગાવી રહ્યા છે. જેના કારણે તેઓને પણ ઈ-મેમો ચલણ આપી શકાતો નથી તેવી ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે. જો જનતા માટે ટ્રાફિકોના નિયમો લાગુ પડતા હોય તો સરકારી વાહનો માટે કેમ નહીં, તેવા આરોપ વાહનચાલકો લગાવી રહ્યા છે.