AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ પાર્ટી સમર્થકોને મળી રહ્યા છે. શિકાગોમાં આયોજિત એક કાર્યક્રમમાં એક યુવકે અસદુદ્દીન ઓવૈસીને પાકિસ્તાની મુસ્લિમો વિશે પૂછ્યું, જેના પર ઓવૈસીએ જોરદાર જવાબ આપ્યો અને 26 નવેમ્બરના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરી દીધો.
શું બોલ્યા અસદુદ્દીન ઓવૈસી
કાર્યક્રમ દરમિયાન યુવાનોના સવાલ પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે અમારા વડીલોએ તેનો વિરોધ કર્યો હતો. અમારું માનવું હતું કે અમારા વડીલોએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું અને જે રઝાકાર હતા તે ચાલ્યા ગયા અને જે વફાદાર હતા તે રહી ગયા. આ પછી અસદુદ્દીન ઓવૈસીએ મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ઘેરતા કહ્યું કે મુંબઈ હુમલાના જે હુમલાખોરો હતા, તે પાકિસ્તાનથી આવ્યા હતા અને તેને કોઈ નકારી શકે નહીં.
ઓવૈસીએ કહ્યું કે એ જરૂરી છે કે આપણે જ્યાં રહીએ ત્યાં શાંતિ રહે. આ પછી એઆઈએમઆઈએમના વડાએ સંસદભવનના નવા બિલ્ડિંગમાં અખંડ ભારતના નકશા પર પણ વાત કરી. ઓવૈસીએ કહ્યું કે અખંડ ભારતના નકશામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાનને પણ ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.