રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બીજેપી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે રાજનીતિ કરી રહી છે. જાતિ અને ધર્મનું માર્કેટિંગ કરીને કોંગ્રેસને બદનામ કરવાના પ્રયાસો થયા છે, પરંતુ હવે લોકો તેનાથી ગેરમાર્ગે નહીં આવે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા સીએમ ગેહલોતે કહ્યું કે, કર્ણાટકમાં ભાજપે બજરંગ બલીનું નામ લઈને ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો, પરંતુ જનતાએ તેમને સ્વીકાર્યા નહીં. શુક્રવારે કિસાન મહોત્સવનું ઉદ્ઘાટન કરતી વખતે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ અને આરએસએસ પર અનેક રાજકીય પ્રહારો કર્યા હતા.
ભાજપે ચૂંટાયેલી સરકારોને તોડી પાડી
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાજપ અલગ એજન્ડા પ્રમાણે કામ કરી રહી છે. દેશમાં બંધારણ અને લોકશાહીના ટુકડા કરવામાં આવી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં ચૂંટાયેલી સરકારોને તોડી પાડવાના કાવતરા કરવામાં આવ્યા હતા. સીએમ ગેહલોતે કહ્યું કે, ત્રણ રાજ્યોમાં ચૂંટાયેલી કોંગ્રેસની સરકાર પડી ગઈ, જે આખા દેશે જોઈ. રાજસ્થાનમાં પણ તેઓએ કોંગ્રેસ સરકારને તોડી પાડવાની કોશિશ કરી, પરંતુ અહીં તેઓ આ ષડયંત્રમાં સફળ ન થયા.
કોંગ્રેસ વિકાસના નામે રાજનીતિ કરે છે
સીએમ ગેહલોતે કહ્યું કે, ધર્મના નામે કરવામાં આવતી રાજનીતિ લાંબો સમય ટકતી નથી. ભાજપની આ રણનીતિને દેશ સમજી ગયો છે. ભાજપે વર્ષ 2014 પહેલા મોંઘવારી અને બેરોજગારી દૂર કરવાના જે વચનો આપ્યા હતા, આજે તે મુદ્દાઓ યાદ પણ નથી આવી રહ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે હંમેશા વિકાસની વાત કરી છે. આ જ કારણ છે કે તાજેતરમાં કર્ણાટકની જનતાએ ધર્મના નામે રાજનીતિ કરનારાઓને નકારી દીધા અને કોંગ્રેસના કામમાં વિશ્વાસ કર્યો. ગરીબ અને વંચિત વર્ગના જીવન ધોરણમાં સુધારો કરવાનો કોંગ્રેસનો પ્રયાસ રહ્યો છે. સામાન્ય માણસને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે લોકકલ્યાણની યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. દેશના ઘણા રાજ્યો રાજસ્થાનની યોજનાઓને અપનાવી રહ્યા છે.