જુનાગઢ મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલ મજેવડી દરવાજાની સામે આવેલ હજરત ખીજની શાહપીર તથા હજરત ગેબનશાહ પીર દરગાહની દિવાલ પર ગત તારીખ 16 જૂન, 2023ને શુક્રવારના રોજ એક નોટિસ લગાડવામાં આવી હતી. આ નોટિસમાં જણાવ્યું હતું કે, આ દરગાહ કાયદેસર હોય તો 5 દિવસમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે મહાનગરપાલિકા ખાતે આવી રજૂઆત કરવી.
ત્યારબાદ સ્થાનિક લઘુમતી સમાજના લોકોને આ બાબતની જાણ થતા આગેવાનો દરગાહ ખાતે પહોંચ્યા હતા. તેમના દ્વારા આ નોટિસ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને થોડા કલાકોમાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં મજૂરી દરવાજા ખાતે ભેગા થઈ ગયા હતા. આશરે 500થી પણ વધુ લોકો મજેવડી દરવાજા વિસ્તારમાં ભેગા થતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે જૂનાગઢની એ અને બી ડિવિઝન તેમ જ એલસીબી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારે આ મામલો વધુ ઉગ્ર થતા એકઠા થયેલા લોકો દ્વારા સૌપ્રથમ રસ્તો રોકવાનો પ્રયાસ કરાતા જુનાગઢની પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. પરંતુ લોકો ઉશ્કેરાઈ જતા પોલીસે ના છૂટકે લાઠીચાર્જ કરાવ્યો હતો.
ત્યારબાદ પોલીસ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ મામલે જુનાગઢ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર ઓફિસર દ્વારા જે નોટિસ આપવામાં આવી છે, તેમાં માત્ર મજેવડી દરવાજા પાસેની દરગાહ નહીં અન્ય 8 સ્થળો પર ધાર્મિક જગ્યામાં નોટિસ આપવામાં આવી છે, જેમાં જુનાગઢના સાંતેશ્વર વિસ્તારમાં આવેલ હનુમાનજીનું મંદિર આવેલું છે. હનુમાનજીનું મંદિર તળાવ દરવાજા પાસે આવેલું છે. જલારામ મંદિર તેમ જ વણઝારી ચોક દરગાહ સહિત કેટલીક દરગાહ મળી કુલ 8 ધાર્મિક સ્થળોને મહાનગરપાલિકા દ્વારા હાઇકોર્ટના નિયમ મુજબ પુરાવા રજૂ કરવાની નોટિસ આપી હતી. પરંતુ આ નોટિસનું ખોટું અર્થઘટન કરી તોફાનો કરવામાં આવ્યા હતા. આ નોટિસ અંગે માહિતી આપતા ટાઉન પ્લાનર ઓફિસર બીપીન ગામીત જણાવ્યું હતું કે, કોઈપણ લોકોને હજુ ધાર્મિક સ્થળ પાડવા માટેની નોટિસ સામે આપેલી નથી. માત્ર જરૂરી પુરાવા રજૂ કરવા માટેની નોટિસ છે. જરૂર પડશે ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરાશે એવું જણાવ્યું હતું.
જૂનાગઢમાં જે દરગાહ પાડવાની વાત પર હુલડ ઉપડ્યું હતું, તેમાં માત્ર દરગાહ નહીં પણ અન્ય જગ્યાને પણ નોટિસ આપવામાં આવી છે. હજુ ખાલી ડોક્યુમેન્ટ રજૂ કરવાની જ નોટિસ હોય લોકોએ ખોટી રીતે હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું છે.