વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બુધવારે રાતે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવાચાલકની અડફેટે આવતા બાઇકસવાર યુવકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના એક શો-રૂમના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસ મુજબ, વડોદરાના સમા વિસ્તારમાં આવેલા જવાહર ફળિયામાં રહેતો 26 વર્ષીય નિલેશ સોલંકી પ્રતાપનગરની એક ખાનગી સ્કૂલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. એક મહિના પહેલા જ નિલેશભાઈની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. આથી નિલેશભાઈ વારસિયામાં પિયરમા ગયેલી પત્ની અને પુત્રની ખબર જોવા માટે બાઇક પર સમાથી વારસિયા જઈ રહ્યા હતા. દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં દીપીકા ગાર્ડન પાસે નિલેશભાઈની ટક્કર એક એક્ટિવાચાલક સાથે થઈ હતી.
અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ અકસ્માતમાં નિલેશભાઈ હવામાં ફંગોળાઈને ડિવાઇડ સાથે અથડાયા હતા. આથી નિલેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા લોકોનું ટોળું ત્યાં ભેગું થયું હતું અને નિલેશભાઈને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. આ મામલે કારેલીબાગ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આથી પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આથી તેના આધારે પોલીસે ગુનો નોંધી સ્કૂટર ચાલકની શોધખોળ આદરી છે. એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ પુત્રે પણ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.