વડોદરામાં ફરી એકવાર તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. આજવા રોડ પર આવેલી એક સોસાયટીના બે બંધ મકાનોને નિશાન બનાવી એક મકાનમાંથી રૂ. 5 લાખની અને બીજા મકાનમાંથી રૂ. 25 હજાર અને સોના-ચાંદીના દાગીના સહિતની મતા ચોરી તસ્કરો ફરાર થયા છે. આ અંગે બાપોદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે.
આજવા રોડ પર આવેલી રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં આવેલા મકાન નંબર-8માં મૂળ પંચમહાલ જિલ્લાના વતની પ્રવિણભાઇ બાબુભાઇ રાવળ પરિવાર સાથે રહે છે. ગુરુવારે પ્રવિણભાઈ પરિવાર સાથે અન્ય એક કુંટુંબીના ઘરે ગયા હતા. બીજા દિવસે જ્યારે તેઓ પોતાના ઘરે આવ્યા તો જોયું કે મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને સામાન વેર-વિખેર હતો. તિજોરીમાં તપાસ કરતા રૂ. 1 લાખ રોકડા, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 5 લાખની મતા ચોરાઈ હતી.
એજ સોસાયટીના અન્ય એક મકાન નંબર-15માં રહેતા આનંદભાઈ સોલંકી પરિવાર સાથે સુભાનપુરા ગયા હતા. બીજા દિવસે જ્યારે તેઓ પોતાના ઘરે પરત આવ્યા તો જોયું કે મકાનમાં સામાન વેર-વિખેર હતો અને તિજોરીમાંથી રૂ. 25 હજાર રોકડ, સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં મકાન માલિકોએ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.