દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 23મી જૂને પટનામાં યોજાનારી બેઠક પહેલા વિરોધ પક્ષોના નેતાઓને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે દિલ્હી સરકારને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ પર પહેલા સંસદમાં ચર્ચા થવી જોઈએ.
બેઠકમાં સૌથી પહેલા વટહુકમ પર ચર્ચા
એક પત્રમાં કેજરીવાલે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને વિનંતી કરી છે કે 23 જૂને પટનામાં યોજાનારી બેઠકમાં સૌથી પહેલા સંસદમાં આ વટહુકમને કેવી રીતે હરાવી શકાય તેની ચર્ચા કરવી જોઈએ.
અન્ય રાજ્યો માટે પણ આ જ પ્રયોગ કરી શકે છે કેન્દ્ર
કેજરીવાલે લખ્યું કે દિલ્હીનો વટહુકમ એક પ્રયોગ છે અને જો તે સફળ થશે તો કેન્દ્ર સરકાર બિન-ભાજપ રાજ્યો માટે સમાન વટહુકમ લાવીને સમવર્તી સૂચિના વિષયોમાંથી રાજ્ય સરકારનો અધિકાર છીનવી લેશે. આવો વટહુકમ માત્ર દિલ્હીના સંદર્ભમાં જ લાવી શકાય તે સમજવું ખોટું હશે. આ લોકો કોઈપણ રાજ્ય સાથે આવું કરી શકે છે.
વટહુકમ લાગૂ થશે તો દિલ્હીમાં જનતંત્ર ખતમ થઈ જશે
કેજરીવાલે પત્રમાં વધુમાં લખ્યું છે કે આ વટહુકમ લાગુ થયા બાદ દિલ્હીમાંથી જનતંત્ર ખતમ થઈ જશે, કેન્દ્ર એલજી દ્વારા સરકાર ચલાવશે, દિલ્હી બાદ અન્ય રાજ્યોમાંથી જનતંત્ર ખતમ કરી દેવામાં આવશે. કેજરીવાલે પત્રમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તે દિવસ દૂર નથી જ્યારે પીએમ 33 રાજ્યપાલો અને એલજી દ્વારા તમામ રાજ્ય સરકારો ચલાવશે.