વડોદરામાં ગુરુવારે વહેલી સવારથી જ આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી 7 જેટલી કંપનીની વિવિધ ઓફિસો, તેમના ડાયરેક્ટરોના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. ઓફિસોમાંથી સ્ટાફને બહાર મોકલી આઈટી વિભાગ દ્વારા હિસાબી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા કરચોરી કરનારા ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કંપનીઓના વાર્ષિક હિસાબોની તપાસ
મળતી માહિતી મુજબ, ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યાથી આવકવેરા વિભાગ દ્વારા શહેરના ગોત્રીની કચ્છ ઇન્ડસ્ટ્રીમાં, ગોરવાની પ્રકાશ કેમિકલની ઓફિસમાં, પાનોલી ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં તેમ જ નંદેશરી જીઆઈડીસી ખાતે આવેલા કેમિકલ ઉત્પાદન એકમો ઉપરાંત કંપનીઓના ડાયરેક્ટરોના નિવાસ સ્થાન સહિત કુલ 7 જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, આ કાર્યવાહી દરમિયાન ગોત્રીની કચ્છ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડીને આઈટી વિભાગ દ્વારા 3 બેગ ભરીને દસ્તાવેજો કબજે કરાયા છે. જ્યારે ગોરવાની પ્રકાશ કેમિકલની ઓફિસમાંથી અને પાનોલી ઇન્ડસ્ટ્રીની ઓફિસમાંથી વાર્ષિક હિસાબોની તપાસ કરવામાં આવી હતી.
હિસાબી દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા સહિતના મહત્ત્વ રેકોર્ડ જપ્ત
સ્થાનિક પોલીસની મદદથી આઈટી વિભાગે ગુરુવારે વહેલી સવારે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. 7 જેટલા સ્થળે વિભાગ દ્વારા દરોડા પાડી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. વડોદરામાં કેમિકલ કંપનીઓમાં કેટલીક કંપનીના માલિકો કરચોરી કરતા હોવાની આશંકાએ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કંપનીઓની વિવિધ ઓફિસ, માલિકોના નિવાસ સ્થાનેથી આવકવેરા વિભાગે દરોડા પાડીને હિસાબી દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા સહિતના મહત્ત્વ રેકોર્ડ મેળવી તેની તપાસ હાથ ધરી છે. જો તેમાં કોઈ કરચોરી પકડાશે તો વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રો મુજબ, આ કાર્યવાહી હેઠળ કરોડો રૂપિયાની કરચોરી પકડાય તેવી સંભાવના છે. જો કે, આ અંગે આવકવેરા વિભાગ દ્વારા હાલ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.