વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં પીએમ મોદી ત્યાં સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે. ત્યારે અમેરિકાના બે સાંસદોએ ભારતમાં લઘુમતીઓના શોષણનો આરોપ લગાવતા સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. હવે ભારતના લઘુમતી આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અને મુસ્લિમ નેતા આતિફ રશીદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનો બહિષ્કાર કરનારા સાંસદોને જડબાતોડ જવાબ આપ્યો છે.
શું બોલ્યા ભારતીય નેતા?
રાષ્ટ્રીય લઘુમતી આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ આતિફ રશીદે વારંવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતા અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમરના ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે, ‘હું ભારતના લઘુમતી વર્ગમાંથી આવું છું પરંતુ હું નરેન્દ્ર મોદીના ભારતમાં સંપૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક ઓળખ સાથે મુક્તપણે રહું છું. મારી પાસે પણ તમામ સંસાધનોનો સમાન અધિકાર છે, હું જે કહેવા માગું છું તે કહી શકું છું અને મારે જે લખવું હોય તે હું લખી શકું છું. તમે તમારા નફરતના એજન્ડા હેઠળ ભારતનું ખોટું ચિત્ર બતાવી રહ્યા છો. તમારા મોંમાંથી ઝેર ઓકવાનું બંધ કરો.’
શું હતું ઇલ્હાન ઉમરનું નિવેદન
ઇલ્હાન ઉમરે એક ટ્વીટમાં લખ્યું કે ‘વડા પ્રધાન મોદીની સરકારમાં ધાર્મિક લઘુમતીઓનું દમન કરવામાં આવે છે. હિંસક હિંદુ રાષ્ટ્રવાદી જૂથોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને પત્રકારો અને માનવાધિકાર કાર્યકરોને નિશાન બનાવવામાં આવે છે. હું મોદીના ભાષણમાં સામેલ નહીં થાઉં.’
અમેરિકાના અન્ય એક સાંસદ રશીદા તલિબે પણ પીએમ મોદીના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. રશીદાએ લખ્યું કે, ‘તે અત્યંત શરમજનક છે કે મોદીને આપણી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે જ્યારે તેમનો માનવાધિકાર ઉલ્લંઘનનો લાંબો ઇતિહાસ છે. મુસ્લિમો અને ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવવું અને મીડિયાનું સેન્સરિંગ કરવું અસ્વીકાર્ય છે. હું સંયુક્ત સત્રમાં મોદીના સંબોધનનો બહિષ્કાર કરીશ.’