વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્તની બે દિવસીય સરકારી મુલાકાતે શનિવારે કૈરો પહોંચ્યા. આ દરમિયાન, તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવા માટે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સહિત ઇજિપ્તના નેતૃત્વ સાથે વાતચીત કરશે. મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસીના આમંત્રણ પર ઇજિપ્તની મુલાકાતે છે. જણાવી દઈએ કે છેલ્લા 26 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની આ પહેલી મુલાકાત છે. પીએમ મોદીએ ઇજિપ્તની તેમની મુલાકાતના પ્રથમ દિવસે ‘ઇન્ડિયા યુનિટ’ સાથેની તેમની પ્રથમ બેઠકમાં બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી.
વડાપ્રધાન મુસ્તફા મદબૌલીએ એરપોર્ટ પર ગળે લગાવીને સ્વાગત કર્યું
આ પહેલા ઈજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મદબૌલીએ ઉષ્માભરી રીતે કૈરોના એરપોર્ટ પર મોદીને ગળે લગાવીને આવકાર્યા. વડાપ્રધાન મોદીનું આગમન સમયે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું. PMએ કૈરો પહોંચ્યા બાદ ટ્વીટ કર્યું, ‘મને ખાતરી છે કે આ મુલાકાત ઇજિપ્ત સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવશે. હું રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે વાતચીત કરવા અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આતુર છું. એરપોર્ટ પર મારું ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું વડા પ્રધાન મુસ્તફા મદબૌલીનો આભાર માનું છું. ભારત-ઈજિપ્તના સંબંધો ખીલે અને આપણા દેશોના લોકોને લાભ મળે.’
હોટેલમાં સ્વાગત, ઇજિપ્તની મહિલાએ હિન્દી ગીત ગાયું
પીએમ મોદી જ્યારે હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના સભ્યોએ ભારતીય તિરંગો લહેરાવતા ‘મોદી, મોદી’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. સાડીમાં સજ્જ એક ઇજિપ્તની મહિલાએ ફિલ્મ ‘શોલે’નું લોકપ્રિય ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’ ગાઇને મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ એ ગીત ધ્યાનથી સાંભળ્યું અને આશ્ચર્ય વ્યક્ત કર્યું જ્યારે મહિલાએ કહ્યું કે તે બહુ ઓછી હિન્દી જાણતી છે અને ક્યારેય ભારત આવી નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘કોઈને એ પણ ખબર નહીં પડે કે તમે ઈજિપ્તની દીકરી છો કે ભારતની દીકરી.’
ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી ડૉ. શૌકી ઇબ્રાહિમ અબ્દેલ-કરીમ આલમને પણ મળ્યા
‘ઈન્ડિયા યુનિટ’ સાથેની પહેલી મુલાકાતમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. ‘ઇન્ડિયા યુનિટ’ એ ઇજિપ્તના વડા પ્રધાન મુસ્તફા મેડબૌલીની આગેવાની હેઠળના ટોચના ઇજિપ્તના પ્રધાનોનું જૂથ છે. મોદીએ સમર્પિત ઉચ્ચ સ્તરીય ઇન્ડિયા યુનિટ સ્થાપવા બદલ ઇજિપ્તનો આભાર માન્યો અને સરકારના વલણની પ્રશંસા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, “વ્યાપાર અને રોકાણ, પુનઃપ્રાપ્ય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ, દવા અને લોકો-થી-લોકો સંપર્કો સહિત અનેક ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવા માટે ચર્ચાઓ કરવામાં આવી.” મોદી ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી ડૉ. શૌકી ઇબ્રાહિમ અબ્દેલ-કરીમ આલમને પણ મળ્યા હતા.
શું છે રવિવારનો કાર્યક્રમ
પીએમ મોદી રવિવારે રાષ્ટ્રપતિ ફતહ અલ સીસીને મળશે. તેઓ રવિવારે દાઉદી બોહરા સમુદાયની મદદથી પુનઃસ્થાપિત કરાયેલ 11મી સદીની અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લેશે. આ મસ્જિદ ફાતિમી વંશના શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. ભારતમાં બોહરા સમુદાય વાસ્તવમાં ફાતિમી વંશમાંથી ઉદ્ભવ્યો હતો. કૈરોમાં તેમના રોકાણ દરમિયાન, વડાપ્રધાન ‘હેલિયોપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ સેમેટ્રી’ની મુલાકાત લેશે, જે એક પવિત્ર સ્થળ છે અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં સેવા કરનાર ભારતીય સેનાના આશરે 3,799 સૈનિકોની યાદમાં બનાવવામાં આવેલું એક સ્મારક છે.