આઈફોન (iPhone) નિર્માતા દિગ્ગજ કંપની એપલ (Apple) ભારતના પેમેન્ટ સેક્ટરમાં પ્રવેશવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં કંપની ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેનું નામ એપલ કાર્ડ હોઈ શકે છે. આ બાબતથી વાકેફ બે સૂત્રોએ મનીકંટ્રોલને જણાવ્યું કે, એપલના સીઈઓ ટિમ કૂકે એપ્રિલમાં ભારતની મુલાકાત દરમિયાન એચડીએફસી બેંક (HDFC Bank) ના સીએમડી શશિધર જગદીશન સાથે વાત કરી હતી.
ત્રીજા સૂત્રએ મનીકંટ્રોલને જણાવ્યું કે, ટેક્નોલોજી જાયન્ટ સંભવતઃ દેશમાં એપ્પલ પે (Apple Pay) લોન્ચ કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે ચર્ચા કરી રહી છે. તે સ્પષ્ટ નથી કે આ ચર્ચાઓ તેના ક્રેડિટ કાર્ડ વિશે છે કે જે NPCI ના RuPay પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે અથવા તે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) માટે છે. રૂપે (RuPay) ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાનો ફાયદો એ છે કે તેને યુપીઆઈ (UPI) સાથે પણ લિંક કરી શકાય છે.
કાર્ડના સ્ટ્રક્ચરને લઈને એપલે રિઝર્વ બેંક (RBI) સાથે પણ વાત કરી છે. આરબીઆઈએ કંપનીને કહ્યું છે કે આ માટે તેણે તમામ પ્રક્રિયા પૂરી કરવી પડશે અને કોઈ ખાસ સુવિધા નહીં મળે. એપલ અને એચડીએફસીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
એપલ કાર્ડ (Apple Card) માં મળી શકે છે આ સુવિધાઓ
એપલ કાર્ડ (Apple Card) માં એપલની સુવિધા હોય છે અને રિવર્ડ મની એપલ વોલેટમાં જમા થાય છે. તેના પર વાર્ષિક 4.15 ટકા વ્યાજ મળે છે. આ કાર્ડ માટે કોઈ વાર્ષિક ફી નથી. યુએસમાં એપલ કાર્ડ યુઝર્સ આ કંપનીના પ્રોડક્ટને વ્યાજ વગર હપ્તામાં ખરીદી શકે છે. કંપની એપલના પ્રોડક્ટ અને સર્વિસની ખરીદી પર 3-5 ટકા કેશબેક તેમજ 2-3 ટકા વધારાના કેશબેક અથવા રિવોર્ડ પોઈન્ટ ઓફર કરવા માટે અન્ય પ્રીમિયમ બ્રાન્ડ્સ સાથે જોડાણ કરી શકે છે.