અમદાવાદના અમરાઇવાડીમાં ખૂની ખેલ ખેલાયો છે. અગાઉ થયેલા ઝઘડાના સમાધાન માટે 26 વર્ષીય યુવકને મોડી રાતે જોગમાયાનગર પાસે બોલાવી લાકડી અને છરીના અનેક ઘા મારી બે આરોપી ફરાર થયા છે. આ હુમલામાં યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે ફરિયાદ બાદ અમરાઈવાડી પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અગાઉના ઝઘડાના સમાધાન માટે બોલાવી હત્યા કરી
મળતી માહિતી મુજબ, અમરાઇવાડી વિસ્તારમાં 26 વર્ષીય યુવક જિગ્નેશ પરમાર રહેતો હતો. થોડા દિવસ પહેલા જિગ્નેશનો સંજય અને દીપક નામના બે યુવક સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાના સમાધાન માટે રવિવારે મોડી રાતે સંજય અને દીપકે જિગ્નેશને જોગમાયાનગર પાસે બોલાવ્યો હતો. આથી જિગ્નેશ ત્યાં ગયો હતો. દરમિયાન દીપક અને સંજયે અગાઉના ઝઘડાની અદાવત રાખી જિગ્નેશ સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો.
લાકડી અને ચપ્પુ વડે અનેક ઘા માર્યા
ત્યાર બાદ બંનેએ જિગ્નેશ પર લાકડી અને ચપ્પુ વડે અનેક ઘા માર્યા હતા અને ફરાર થયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્ત જિગ્નેશનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ મામલે જિગ્નેશના ભાઈએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ફરાર દીપક અને સંજય વિરુદ્ધ હત્યા સહિતનો ગુનો નોંધી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.