ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાએ ચાર વર્ષ પહેલા વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો હતો, ત્યારે ટીમ ઈન્ડિયાની કમાન વિરાટ કોહલીના હાથમાં હતી. વર્ષ 2019માં ભારતીય ટીમે શ્રેણી 2-0થી જીતી હતી. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલની હારને ભૂલીને નવી શરૂઆત કરવા ઈચ્છે છે. હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે. છેલ્લી 13 મેચોમાં ટીમ ઈન્ડિયાની આ સાતમી ઓપનિંગ જોડી હશે.
ભારતે અજમાવી 6 ઓપનિંગ જોડી
ભારતે છેલ્લે વર્ષ 2022માં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાએ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમી હતી, તે સમયે રોહિત શર્મા ઈજાગ્રસ્ત હતા. આ કારણે કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી, પરંતુ મયંક અગ્રવાલ દક્ષિણ આફ્રિકા સામે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા અને ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યા ન હતા.
ચેતેશ્વર પુજારા પણ બન્યા હતા ઓપનર
ત્યારબાદ ભારતે વર્ષ 2022માં શ્રીલંકા સામે ઘરઆંગણે બે ટેસ્ટ મેચની શ્રેણી રમી હતી. ત્યારે કેએલ રાહુલ ઘાયલ હતા. આ કારણે મયંક અગ્રવાલ કેપ્ટન રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર બન્યો હતો. ત્યારપછી જસપ્રિત બુમરાહની કેપ્ટન્સીમાં ભારતે ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમી જેમાં શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ ઓપનિંગની જવાબદારી સંભાળી.
બાંગ્લાદેશ પ્રવાસ પર કેએલ રાહુલ અને શુભમન ગિલે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. શુભમન ગિલે બાંગ્લાદેશ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌના દિલ જીતી લીધા હતા.
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં હતા આ ઓપનર
ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. સીરીઝની પ્રથમ બે મેચ રોહિત શર્માએ કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરી હતી. રાહુલ પ્રથમ બે મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. આ કારણોસર, શુભમન ગિલે સીરીઝની બાકીની બે મેચોમાં રોહિત સાથે ઓપનિંગ કરી હતી. આ સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રોહિત-ગિલની ઓપનિંગ જોડી મેદાન પર ઉતરી હતી.