આજથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડ કપ માત્ર મનોરંજન જ નથી લાવી રહ્યો, તે દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ આપવાનો છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ક્રિકેટ વર્લ્ડ કપ આ ક્વાર્ટરમાં ઉત્સવના વેચાણમાં નોંધપાત્ર વધારો કરશે. ક્રિકેટ પ્રેમીઓ પસંદગીના સામાન અને ઘણી સેવાઓ પર મોટી રકમ ખર્ચવા તૈયાર છે, જેના કારણે ગ્રોથ લગભગ 0.10 ટકા વધી શકે છે.
18,000થી 22,000 કરોડનો ખર્ચ થવાની ધારણા
મીડિયા અહેવાલ અનુસાર, બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે વિશ્વ કપ પ્રેરિત ઉપભોક્તા ખર્ચ રૂ. 18,000થી રૂ.22,000 કરોડની વચ્ચે રહેવાનો અંદાજ મૂક્યો છે. તેનાથી અર્થતંત્રમાં રૂ.7,000-8,000 કરોડનું ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) જનરેટ થશે.
લોકો અહીં પૈસા ખર્ચશે
મોટા રમતગમત અને મનોરંજનના કાર્યક્રમો સામાન્ય રીતે ઉપભોક્તા ખર્ચને પ્રોત્સાહન આપે છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે. તેવી જ રીતે ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા જબરદસ્ત છે. ક્રિકેટ પ્રેમીઓ મેચના દિવસોમાં પ્રવાસ, હોટેલ, મોટા ટેલિવિઝન સેટ અને ફૂડ ઓર્ડર પર ખર્ચ કરે તેવી અપેક્ષા છે. લોકો સ્થાનિક પબ અને સ્પોર્ટ્સ બારમાં પણ ખર્ચ કરશે, જ્યાં મોટી સ્ક્રીન પર મેચ બતાવવામાં આવે છે.
તહેવારોની સિઝનમાં માંગને વેગ મળશે
તેમણે જણાવ્યું હતું કે, ‘અમે જોઈ શકીએ છીએ કે વર્લ્ડ કપ ગ્રાહકોના ખર્ચમાં વધારો કરે છે, ખાસ કરીને સેવાઓમાં. આનાથી માગમાં વધારો થશે કારણ કે તે ખરીફ પાકના સમયે શરૂ થઈ રહ્યું છે અને દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન ચાલશે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાશે.