મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એશિયન ડેવલોપમેન્ટ બેંકના પ્રેસિડેન્ટ શ્રીયુત માસાતુસગુ આશકાવા અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં વિસ્તૃત બેઠક યોજીને એશિયન ડેવલપમેન્ટ બેન્ક અને ગુજરાતના સંબધોને વધુ વ્યાપક બનાવવા વિચાર વિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં યોજાઈ રહેલી જી 20ની ત્રીજી ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીસની બેઠકમાં ભાગ લેવા આવેલા આ પ્રતિનિધિ મંડળને આવકારીને રાજ્યની અત્યાર સુધીની વિકાસ યાત્રામાં ADB એ આપેલા સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી એ ADB રાજ્ય સરકારને સ્કીલ ડેવલોપમેન્ટ અને અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મદદ કરી રહી છે તે જ રીતે ગ્રીન એનર્જી, આરોગ્ય, રૂરલ રોડ કનેક્ટિવિટી, પેય જળ અને આવાસ વગેરે ક્ષેત્રોમાં ADB ના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી.
તેમણે કહ્યું કે, ગુજરાત છેલ્લા એક દશકમાં મજબૂત અર્થ વ્યવસ્થાથી દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સાથો સાથ મેન્યુફેકચરીંગ, સર્વિસ અને એગ્રિક્લચર સેક્ટર પણ રાજ્યના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું. તેમણે દસમી ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં જોડાઈને ફિન્ટેક ક્ષેત્રનો વ્યાપ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં આગળ ધપાવવા અંગેની ચર્ચાઓ નું નેતૃત્વ કરવા ADB ને આમંત્રણ આપ્યું હતું.
ADB ના પ્રેસિડેન્ટ શ્રીયુત માસાતુસગુ આશકાવાએ જણાવ્યું કે, ADB ૧૯૯૬ થી ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ માં પાર્ટનર છે. ADB ના પ્રેસિડેન્ટએ મહત્વપૂર્ણ જાણકારી આપી કે ,ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટર અને સાયબર સિક્યુરિટી માટે ADB ગુજરાત સાથે સહયોગ કરીને તેને પ્રમોટ કરવાની દિશામાં સકારાત્મક આયોજન કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ ૨૦૧૯ માં ADB ને ગુજરાતના ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઈનાંસિયલ હબ બનાવવા સહયોગ માટે સંભાવનાઓ એક્સપ્લોર કરવા ઇંજન આપ્યું હતું તેનો સ્વીકાર કરીને ADB ગિફ્ટ સિટીમાં સહભાગી થઈ છે. ADB ના પ્રેસિડેન્ટએ ગુજરાતને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે સેટ અપ કરવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં તેમજ સ્કીલ ડેવલોપમેન્ટ, પાણી પુરવઠો અને જળ વિતરણ, સ્કીલ યુનિવર્સિટી અને સ્ટેટ ઓફ ધ આર્ટ કોર્સિસ શરૂ કરવામાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતને ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવા માટે ADB ને રાજ્ય સરકાર પ્રોએક્ટિવ થઈને સંપૂર્ણ સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. આગામી વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા માટે ADB ને આમંત્રણ આપતા મુખ્ય મંત્રીએ ADB પ્રેસિડેન્ટ શ્રીયુત માસાતુસગુ આશકાવાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું.