વડોદરામાં ડિગ્રી વિનાનો એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ નકલી તબીબ વડસર બ્રિજ વિસ્તારમાં ડેન્ટલ ક્લિનિક ખોલી રૂ.100માં દાંત પાડવા સહિતની સારવાર કરી આપતો હતો. જો કે, એક યુવાન દ્વારા ફરિયાદ થતા પોલીસે રેડ પાડી ક્લિનિક પરથી બોગસ ડોક્ટરને ઝડપી રૂ. 15,900 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્યામલ કોલોનીમાં રહેતો સંતોષકુમાર ચક વડસર બ્રિજ પાસે છેલ્લા 2 વર્ષથી શિવશક્તિ ડેન્ટલ ક્લિનિક ચલાવતો હતો. દરમિયાન વડસરમાં રહેતો હિમાંશુ ગણાત્રા તેમની પત્નીના દાંતની સારવાર માટે સંતોષ ચક પાસે ગયા હતા. જો કે, હિમાંશુભાઈને સંતોષની પ્રવૃત્તિ પર શંકા જતા તેમણે માંજલપુર પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે શિવશિક્તિ ક્લિનિક પર દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી.
અગાઉ અમદાવાદમાં દાંતનું ક્લિનિક ચલાવતો હતો
તપાસ દરમિયાન પોલીસને બોગસ તબીબ સંતોષકુમાર ચક પાસેથી કોઈપણ પ્રકારની ડિગ્રી મળી નહોતી. છતાં તે ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરતો હતો અને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. માંજલપુર પોલીસે આરોપી સંતોષકુમાર ચકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી પાસેથી પોલીસે કુલ રૂ.15,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, સંતોષ કોઈ બીજા ડોક્ટર પાસેથી દાંતની સારવાર શીખ્યો હતો અને ત્યારબાદ અમદાવાદમાં દાંતનું ક્લિનિક ચલાવતો હતો. પછી તેણે વડોદરામાં પોતાનું ક્લિનિક શરુ કર્યું હતું. અહીં, છેલ્લા બે વર્ષથી તે માત્ર રૂ. 100માં દર્દીઓની સારવાર કરતો હતો.