પાકિસ્તાનમાં રવિવારે રાત્રે મોટો આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો. કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટીના રાજકીય સંમેલન દરમિયાન અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટથી નીકળેલા ધૂળના વાદળો હટતાની સાથે જ ચારેબાજુ મૃતદેહો પડેલા જોવા મળ્યા. અનેક મૃતદેહોના ચીંથરા ઉડી ગયા. હુમલામાં સેંકડો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 46 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની પોલીસે સોમવારે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે કટ્ટર ઈસ્લામિક પાર્ટીના રાજકીય સંમેલનમાં આત્મઘાતી વિસ્ફોટ પાછળ પ્રતિબંધિત આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)નો હાથ હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ રવિવારે ત્યારે થયો જ્યારે કટ્ટરપંથી જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F) ના 400 થી વધુ સભ્યો ખાર શહેરમાં એક બેઠક માટે એકઠા થયા હતા. આ શહેરની સરહદ અફઘાનિસ્તાન સાથે લાગે છે.
વિસ્ફોટ પાછળ ઈસ્લામિક સ્ટેટનો હાથ હોવાની આશંકા: પોલીસ
પોલીસના અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં જમાવવામાં આવ્યું કે “અમે હાલમાં બાજૌર વિસ્ફોટની તપાસ કરી રહ્યા છીએ અને તેના વિશે માહિતી એકઠી કરી રહ્યા છીએ. આની પાછળ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે.” પોલીસે જણાવ્યું કે 38 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જયારે 8 અજાણ્યા મૃતદેહો હજુ પણ હોસ્પિટલમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ આત્મઘાતી હુમલાખોર વિશે માહિતી એકત્ર કરી રહ્યા છે, જ્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પરથી પુરાવા એકત્ર કરી રહી છે.
10 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્રણ કસ્ટડીમાં
જિલ્લા પોલીસ અધિકારી નઝીર ખાને જણાવ્યું કે આ મામલે ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાંતીય પોલીસ વડા અખ્તર હયાત ખાનના જણાવ્યા અનુસાર વિસ્ફોટને અંજામ આપવા માટે 10 કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે હુમલાખોર રાજકીય પરિષદના સહભાગીઓમાંનો એક હતો અને તે આગળની હરોળમાં બેઠો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરે કોન્ફરન્સના મંચ પાસે પોતાને વિસ્ફોટ કર્યો હતો.
JUI-Fની બેઠક દરમિયાન વિસ્ફોટ થયો
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠક યોજાઈ રહી હતી. આ મીટીંગમાં હાજરી આપવા ઘણા કાર્યકરો આવ્યા હતા. સ્ટેજ પરથી પાર્ટીના નેતાનું ભાષણ થઈ રહ્યું હતું. આ સાથે જ ભીડ તેમના નેતા દીર્ધાયુષ્યના નારા લગાવી રહી હતી. જ્યારે કાર્યકર સંમેલન થઈ રહ્યું હતું ત્યારે ભીડ તેમના નેતા માટે ઝિંદાબાદના નારા લગાવી રહી હતી. તે જ સમયે, જોરદાર વિસ્ફોટ થયો અને ઝિંદાબાદના નારા લગાવી રહેલા ભીડમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા, નારાની જગ્યાએ ચીસો પડી ઉઠી.
વિસ્ફોટમાં JUI-Fના અગ્રણી નેતાઓના પણ મોત
વિસ્ફોટમાં JUI-Fના અગ્રણી મૌલાના ઝિયાઉલ્લા જાનનું પણ મોત થયું. ઈજાગ્રસ્તોને પેશાવર અને તિમરગેરાની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા. ઘટના બાદ સુરક્ષાકર્મીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.