વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૭ જુલાઈએ રાજકોટની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન તેમની આ મુલાકાત દરમ્યાન સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ નજીક નિર્માણ થયેલા અદ્યતન ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિરાસર એરપોર્ટની ભેટ આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમના આયોજન સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી તેમજ અન્ય વિભાગોની તૈયારીઓની સમીક્ષા રાજકોટ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થનારા લોકાર્પણ અને અન્ય કાર્યક્રમો તેમજ
જાહેર સભા અંગેના આયોજનની પણ આ સમીક્ષા બેઠકમાં ઝીણવટપૂર્વક વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ અન સૌરાષ્ટ્રને AIIMS અને આ ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ બે મોટી ભેટ આપી છે. એટલું જ નહિ આ ઇન્ટર નેશનલ એરપોર્ટને પરિણામે રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે વિશ્વ સાથે વેપાર-વાણિજ્યની નવી દિશા ખોલવાનું છે.
આ બે ભેટ આપનાર વડાપ્રધાનશ્રીના સ્વાગત અને સત્કાર માટે સૌરાષ્ટ્રના લોકો ભારે ઉત્સુક છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સાંસદઓ, ધારાસભ્યો,પદાધિકારીઓ અને સંગઠન પાંખ સૌ સાથે મળી સમગ્ર કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવે તેનું માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શનિવારે રાજકોટના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થતા પહેલા તેમણે વડાપ્રધાનના તારીખ ૨૭ જુલાઈના કાર્યક્રમોનાં આયોજનની આખરી તૈયારીઓની સમીક્ષા આ બેઠકમાં કરી હતી.
તેમણે કાર્યક્રમ સ્થળોની સુરક્ષા સલામતિ, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને જો વરસાદની સ્થિતિ ઉભી થાય તો તે સામેના સલામતી સાવચેતીના ઉપાયોની પણ સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.
આ બેઠકમાં મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબહેન બાબરીયા તેમજ સાંસદઓ જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનર અને એરપોર્ટ ઓથોરિટી સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા અને પોતાના વિભાગોની કામગીરીની માહિતી આપી હતી.