આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મહેસાણાના હેડુવાથી 9 યુવક અમેરિકા જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેઓ મહિનાઓથી ગુમ છે. આ કેસમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે. મહેસાણા એસઓજીએ આ કેસ હેઠળ વધુ એક એજન્ટની ધરપકડ કરી છે. એજન્ટની પુછપરછમાં જાણવા મળ્યું છે કે, મહેસાણાના 4 વ્યક્તિ સહિત કુલ 9 લોકો ફ્રાન્સની હદમાં આવેલા સેન્ટ માર્ટિ્સની જેલમાં બંધ છે.
આ કેસમાં ફ્રાન્સ એમ્બેસીનો સંપર્ક કરાયો
મહેસાણાના હેડુવાથી અમેરિકા જવા નીકળેલા 9 યુવક ગુમ થવાના કેસમાં એસઓજીએ વધુ એક એજન્ટ શૈલેષ પરમારની ધરપકડ કરી છે. શૈલેષે જણાવ્યું છે કે, ફ્રાન્સની હદમાં આવેલા સેન્ટ માર્ટિ્સની જેલમાં મહેસાણાના 4 વ્યક્તિ સહિત કુલ 9 લોકો બંધ છે. આ માહિતીની તપાસ કરવા માટે હવે એસઓજીએ સીઆઈડી ક્રાઇમ થકી ફ્રાન્સ એમ્બેસી પાસે મદદ માગી છે. મીડિયા અહેવાલ મુજબ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના મેરિટાઈમ રેસ્ક્યુ કોર્ડિનેશન સેન્ટરને 9 ફેબ્રુઆરીના રોજ ગ્વાડલુપની સરકારે માહિતી આપી હતી કે, 04 ફેબ્રુઆરીના રોજ તેમની હદમાંથી 9 જેટલા ભારતીયોને દરિયામાંથી રેસ્કયુ કરવામાં આવ્યા હતા.
અમદાવાદનો એજન્ટ હજુ પણ ભૂગર્ભમાં
આ કેસમાં અગાઉ એવું જાણવા મળ્યું હતું કે, આ તમામ લોકો બોટમાં ડોમિનિકા કે પછી એન્ટિગુઆથી અમેરિકા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન આ તમામ લોકો યુએસના વર્જિન આયલેન્ડ્સ તરફ જવાને બદલે ગ્વાડલુપની હદમાં પહોંચી ગયા હતા, જ્યાં દરિયામાંથી તેમની સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં અમેરિકામાં રહેતા બે એજન્ટ ધવલ પટેલ અને વિજય પટેલનું નામ સામે આવતા તેમની સામે લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે MD હજુ પણ ભૂગર્ભમાં છે. પોલીસ દ્વારા તેની શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જ્યારે શૈલેષ પરમારની વધુ પૂછપરછ હાથ ધરી છે.