સુરતના રાંદેર વિસ્તારમાંથી એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક કારચાલકે બીઆરટીએસ રૂટની ચાર ફૂટ ઊંચી રેલિંગ પર પોતાની કાર ચડાવી દીધી હતી. પોલીસ તપાસ મુજબ, આ કાર 21 વર્ષનો યુવક ચલાવી રહ્યો હતો અને બીઆરટીએસ રૂટમાં રોંગ સાઇડમાં આવી બેલેન્સ ગુમાવતા તેણે કાર ડિવાઇડર સાથે અથડાવી ચાર ફૂટ ઊંચી રેલિંગ પર ચડાવી દીધી હતી. દ્રશ્યો જોઈ લોકોને મેળામાં ચાલતા મોતના કૂવાની યાદ આવી ગઈ હતી. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ, આ ઘટના બે દિવસ પહેલાની છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા મોરાભાગળ સર્કલ પાસે બીઆરટીએસ રૂટમાં એક કારચાલકે ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. 21 વર્ષીય ફેઝ મેમણ નામનો યુવક એક લક્ઝુરિયસ કાર લઈને જહાંગીરપુરાથી મોરાભાગળ તરફના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન તેણે મોરાભાગળ બીઆરટીએસ રૂટમાં રોંગ સાઇડમાં પોતાની કાર પુરઝડપે હંકારી અકસ્માત સર્જ્યો હતો. સંતુલન ગુમાવતા તેની કાર બીઆરટીએસના ડિવાઇડર સાથે અથડાઈને ચાર ફૂટ ઊંચી રેલિંગ પર ચઢી ગઈ હતી.
પોલીસે યુવકની અટકાયત કરી
અકસ્માતને પગલે રાંદેર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે કારચાલક ફેઝ મેમણની અટકાયત કરી છે. સદનસીબે આ ગોઝારા અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે બીજી તરફ કારને રેલિંગ પર જોઈ લોકોને મેળામાં ચાલતા મોતના કૂવાની યાદ આવી ગઈ હતી.