સુરત ક્રાઈમ બ્રાન્ચને એક મહાઠગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. દેશના સફળ અને જાણીતા વ્યક્તિઓ, ઉદ્યોગપતિઓના નામથી તેમના સમાજના લોકોને ફોન કરી નાણાકીય મદદ માંગતો આ શખ્સ અત્યાર સુધીમાં સવા કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી ચૂક્યો છે. જો કે, આ શખ્સ એક ટોળકીનો ભાગ છે જે મૂળ રાજસ્થાની ટોળકી છે અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ટોળકીના સાગરિતોની ધરપકડ કરી હતી. આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે પર્વત પાટિયા વિસ્તારમાંથી કુંભારામ ચારણ નામના એક 32 વર્ષીય યુવાનની ધરપકડ કરી હતી. આ કુંભારામ ચારણ રાજસ્થાનની એક ટોળકીનો સાગરિત છે અને આ ટોળકી જે તે સમાજના પ્રતિષ્ઠિત કે ધનાઢય લોકોના નામે તે જ સમાજના અન્ય વ્યક્તિઓને ફોન કરે છે અને પોતાની ખોટી ઓળખ આપે છે. સાથે-સાથે જે વ્યક્તિને ફોન કર્યો હોય તેને તેના સમાજના પોતાના ઉપરાંત અન્ય પ્રતિષ્ઠિત લોકોને ઓળખાણ પણ આપી પૈસા પડાવતી હતી.
આ ઠગ ટોળકીના સભ્યો ખાસ કરીને કલાક બે કલાક માટે મુંબઈ કે દિલ્હીમાં પૈસાની જરૂર છે તેવી વાત કરતા હતા અને ત્યારબાદ જેવા રૂપિયા ટ્રાન્સફર થઈ જાય અથવા તો કુરિયરમાં નાખવામાં આવે કે તુરંત જ તેમનો ફોન સ્વીચ ઓફ કરી દેતા હતા. ભૂતકાળમાં આ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે રાજસ્થાનમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ, કુંભારામ ચારણ નામનો આરોપી તે સમયે પોલીસની પકડથી દૂર રહ્યો હતો. પોલીસે કુંભારામ ચારણની બાતમી મળતા સુરતના પર્વત પાટિયા વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો.
આ કુંભારામ ચારણ આંગડિયામાં કેવી રીતે પૈસા મોકલવા અને આંગડિયામાં એક વખત પૈસા નાખી દેવામાં આવે તો તેની ડિલિવરી લેવાનું કામ કરતો હતો. સાથે જ અનેક લોકો સાથે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે વાત કરીને છેતરપિંડી કરી હોવાની પણ વિગતો સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં કુંભારામ ચારણ સામે સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ બે ગુના નોંધાયા હોવાની વિગતો સામે આવી છે. આ બે ગુનામાં કુલ 1, કરોડ 15 લાખથી વધુ રકમની છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે કુંભારામ ચારણની ધરપકડ કરી તેને મહિધરપુરા પોલીસને હવાલે કરી દીધો છે, જ્યારે મહારાષ્ટ્ર પોલીસને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે.