દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે તેઓ હોળી પર દેશ માટે પ્રાર્થના કરશે. તેમણે આરોપ લગાવ્યો કે સારું કામ કરનારાઓની ધરપકડ કરવામાં આવી રહી છે, જ્યારે દેશને લૂંટનારાઓ બચીને નીકળી રહ્યા છે
મુખ્યમંત્રીએ કહ્યું કે તે ચિંતાજનક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત માટે સારું કામ કરનારાઓને જેલમાં ધકેલી દીધા છે, જ્યારે દેશને લૂંટનારાઓને ગળે લગાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, “હોળી પર, હું ધ્યાન કરીશ અને દેશની દયનીય સ્થિતિમાં સુધારા માટે પ્રાર્થના કરીશ. જો તમને પણ લાગે છે કે વડાપ્રધાન યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી, તો તમારે પણ હોળીની ઉજવણી પછી દેશ માટે પ્રાર્થના કરવી જોઈએ.” કેજરીવાલે કહ્યું, “મને સિસોદિયા અને જૈન જેલમાં હોવાની ચિંતા નથી. તેઓ બહાદુર લોકો છે, જે દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. પરંતુ દેશની સ્થિતિ મને ચિંતિત કરે છે.”
સિસોદિયાની દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં આ વર્ષે 26 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગયા વર્ષે મે મહિનામાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયા અને જૈને તાજેતરમાં મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.