પંજાબના બરનાલામાં ડેપ્યુટી કમિશનરની ઓફિસ અને નિવાસની બહાર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા છે. એટલું જ નહીં ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની મેચને લઈને પણ મોટી ધમકી આપવામાં આવી છે. વન વિભાગ અને સીએમ ભગવંત માનના સરકારી બેનરો પર પણ ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની શીખ ફોર જસ્ટિસ દ્વારા આ ઘટનાને અંજામ આપવામ આવ્યો છે.
ગુરપતવંત પન્નુએ વીડિયોમાં આપી ધમકી
આ અંગે ગુરપતવંત પન્નુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. પન્નુએ આ વીડિયોમાં ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને રોકવાની પણ ધમકી આપી છે, જેમાં કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મોતનો બદલો લેવાની વાત કહેવામાં આવી છે. ખાલિસ્તાનનાં નારા લખાયા બાદ તરત જ બરનાલા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું.
ખાલિસ્તાનના નારા લગાવવામાં આવ્યા
સવાર પડતા પહેલા જ જ્યાં ખાલિસ્તાનના નારા લખવામાં આવ્યા હતા તે જગ્યાઓ પર પેઇન્ટ કરાવી દેવામાં આવ્યો. ડીસી ઓફિસ અને નિવાસસ્થાનના બોર્ડ પર સફેદ કલર કરવામાં આવ્યો છે. સાથે જ વન વિભાગની દીવાલ પર લખવામાં આવ્યું કે “અહીં ફૂલ તોડવાની મનાઈ છે”. એક જગ્યાએ લખવામાં આવ્યું કે ‘અહીં પેશાબ કરવાની મનાઈ છે.’ જ્યારે વન વિભાગના બોર્ડ પર હજુ પણ ખાલિસ્તાન ઝિંદાબાદ લખેલું રહી ગયું છે.