બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ગુજરાતીઓને ઠગ કહેવાનો કેસ ચાલી રહ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન મેટ્રોપોલિટન કોર્ટે તેજસ્વી યાદવને બીજી વખત સમન્સ જારી કર્યું છે. શુક્રવારના રોજ અપરાધિક માનહાનિ કેસની સુનાવણી દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે કેટલીક મૂંઝવણને કારણે પ્રથમ સમન્સ તેમના સુધી પહોંચ્યું ન હતું. જે અંતર્ગત તેમને 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે કથિત ટિપ્પણી કેસમાં તેજસ્વીને સમન્સ જારી કર્યા હતા.
પહેલું સમન્સ તેજસ્વી સુધી પહોંચ્યું ન હતું
શુક્રવારે આ કેસની સુનાવણી દરમિયાન જાણવા મળ્યું હતું કે, કોર્ટમાં પહેલું સમન્સ હજુ પેન્ડિંગ છે. મૂંઝવણને કારણે પ્રથમ સમન્સ તેજસ્વી સુધી પહોંચી શક્યું ન હતું. જે બાદ શુક્રવારે ફરીથી તેમને સમન્સ જારી કરવામાં આવ્યું છે, જેમાં તેમને 13 ઓક્ટોબરે થનારી સુનાવણીમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ હરેશ મહેતાએ ગુજરાતીઓને ઠગ કહેવા અંગે તેજસ્વીના નિવેદન સામે કેસ દાખલ કર્યો હતો, જેની સુનાવણી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહી છે.